ગોંડલમાં ગીતાબાનો ભવ્ય વિજય જેતપુરમાં રાદડિયાને મળી જંગી લીડ

ગોંડલમાં ગીતાબાનો ભવ્ય વિજય જેતપુરમાં રાદડિયાને મળી જંગી લીડ
ધોરાજીમાં પાંચ વર્ષ બાદ કમળ ખીલ્યું, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ કહ્યું, મારી હાર માટે ‘આપ’ જવાબદાર
જસદણમાં ફરી ‘બળુકા’ સાબિત થયા કુંવરજીભાઈ બાવળિયા, ‘આપ’ને કોંગ્રેસ કરતા વધુ મત મળ્યા
રાજકોટ, તા.8: (ફૂલછાબ ન્યુઝ) રાજકોટ શહેર અને જિલ્લાની ગોંડલ, જેતપુર, ધોરાજી અને જસદણ બેઠક ઉપર આજે ભગવો લહેરાયો હતો. રાજકોટ શહેરની ચારેય બેઠક ઉપર કમળ ખીલ્યું હતું. આ ઉપરાંત જિલ્લાની બેઠકોમાં જેતપુર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા 76,848 મતોની જંગી લીડથી જીત્યા હતા. ગોંડલ બેઠક ઉપર ફરી એક વખત ગીતાબા જયરાજસિંહ જાડેજા સત્તા મેળવવામાં સફળ રહ્યા હતા. ધોરાજીમાં ડો.મહેન્દ્ર પાડલિયાએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડયું હતું અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાને હરાવ્યા હતા. જસદણ બેઠક ઉપર કુંવરજી બાવળિયા ફરી ‘બળિયા’ સાબિત થયા હતા.
ગોંડલ : ગોંડલ વિધાનસભા બેઠક ઉપર ભાજપને ભવ્ય જીત મળી છે. આ બેઠક ઉપર સમગ્ર ગુજરાતની નજર હતી અને અહીં બે બાહુબલી જયરાજસિંહ જાડેજા અને રીબડા જૂથના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો. સૌરાષ્ટ્રની અતિ સંવેદનશીલ ગણાતી આ બેઠક ઉપર રીબડા જૂથે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું તેમ છતાં જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજાએ ફરી એક વખત ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ રાઉન્ડમાં જ ગીતાબા આગળ ચાલી રહ્યાં હોય, ગોંડલમાં ચોરેચોરે ફટકાડા ફોડી લોકોએ સ્વયંભૂ વિજયોત્સવ મનાવ્યો હતો. પૂના, મુંબઈ, નાસિકથી બોલાવાયેલી બેન્ડ પાર્ટીના તોલે લોકોએ વિજયને વધાવ્યો હતો. ગીતાબાને 86,062 મત મળ્યા હતા જેની સામે કોંગ્રેસના યતીશ દેસાઈને 42,749 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીનાં નિમિષાબેન ખૂંટને 13,075 મત મળ્યા હતા. નોટામાં કુલ 2164 મત પડયા હતા. ગીતાબા 43,313 મતની લીડથી વિજેતા થયા હતા. કોંગ્રેસના યતીષ દેસાઈએ ગોંડલમાં સરકારી તંત્રએ ભાજપને જીતાડયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
જેતપુર : જેતપુર-જામકંડોરણાની પ્રતિષ્ઠાભરી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાની લીડ કાપવા કોંગ્રેસ, આપ અને સપા તમામ બાજુએથી ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા તેમ છતાં જયેશ રાદડિયાએ 76,848 મતની જંગી લીડથી વિજેતા જાહેર થયા હતા. જયેશભાઈને 1,06,135, કોંગ્રેસના દીપક વેકરિયાને 12,200, આપના રોહિત ભુવાને 29,287 તથા આપના રાજુ સરવૈયાને 20,743 મત મળ્યા હતા. આ બેઠક ઉપર 2282 આસપાસ મત નોટામાં પડયા હતા. ગત વિધાનસભા 2017માં કોંગ્રેસના રવિભાઈ આંબલિયાને 73,367 તથા જયેશ રાદડિયાને 98,948 મતો સાથે ભાજપે 25,581ની લીડ સાથે વિજય મેળવ્યો હતો. આ વખતે રાદડિયાને ત્રણ ગણાથી વધુ લીડ મળતા તેમણે જેતપુરના તમામ પૂર્વ ધારાસભ્યોના રેકોર્ડ તોડી નાખ્યા છે. જયેશ રાદડિયા વિજેતા જાહેર થતાં કાગવડમાં મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા. જૂનાગઢ રોડ પર આવેલાં તેમનાં કાર્યાલયથી વિજય સરઘસ નીકળ્યું હતું. જેમાં તમામ સમાજના આગેવાનો, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, પાલિકાના સદસ્યો, તાલુકાની સહકારી સંસ્થાના હોદ્દેદારો વગેરે જોડાયા હતા.
ધોરાજી : ધોરાજી-75 વિધાનસભા બેઠક ઉપર પાંચ વર્ષ બાદ કમળ ખીલ્યું હતું. ભાજપના નવ નિયુક્ત ઉમેદવાર ડો.મહેન્દ્રભાઈ પાડલિયા 11,721 મતની જંગી લીડથી જીત્યા હતા. અહીં કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા લલિત વસોયાને હરાવવા ખૂબ જ મુશ્કેલ હતા પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખિયાએ 29,353 મત મેળવીને કોંગ્રેસમાં વાવાઝોડું ફેરવી દીધું હતું. વસોયાએ પરિણામ પહેલા જ પોતાની હાર સ્વીકારી લીધી હતી અને કહ્યું હતું કે, આપ ભાજપની બી ટીમ છે અને તેના ઉમેદવારના મત કોંગ્રેસ માટે નુકસાનકારક છે. હું સ્પષ્ટપણે કહું છું કે, આમ આદમી પાર્ટીનાં કારણે હું ધોરાજી-ઉપલેટાની બેઠક હારી રહ્યો છું. આ બેઠક ઉપર ડો.મહેન્દ્રભાઈ પાડલિયાને 65,871 અને લલીત વસોયાને 53,780 મત મળ્યા છે. ધોરાજી-ઉપલેટા શહેર અને તાલુકાના ભાજપના હોદ્દેદારોએ ભવ્ય આતશબાજી સાથે ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો.
જસદણ : જસદણ-72 વિધાનસભા બેઠક ઉપર ભાજપે મેદાન માર્યું હતું. કુંવરજીભાઈ બાવળિયા 16,172 મતોની લીડથી વિજેતા જાહેર થયા છે. બાવળિયાને 63,808 મત મળ્યા હતા. બીજા ક્રમે આમ આદમી પાર્ટીના નેતા તેજસભાઈ ગાજીપરાને 47,636 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા ભોળાભાઈ ગોહેલને 45,795 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ બેઠકની સામાન્ય ચૂંટણીમાં ભાજપ ક્યારેય જીત્યું ન હતું પરંતુ પ્રથમવાર જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાનો વિજય થતાં કાર્યકરોમાં અનેરો આનંદ છવાયો હતો. આજે  મતગણતરીના છઠ્ઠા રાઉન્ડમાં જ ભોળાભાઈએ હારનો સ્વીકાર કરી લીધો હતો. હજુ એક બે દિવસ પૂર્વે જ બાવળિયાને હરાવવા માટે તેમના જ પક્ષના નેતા ગજેન્દ્ર રામાણી લોબિંગ કરતા હોય તેવી ઓડિયો ક્લીપ પણ વાયરલ થઈ હતી તેમ છતાં આ ક્લીપ કુંવરજીની જીતમાં આડખીલીરૂપ બની ન હતી. ખાસ તો કોળી સમુદાયના મતો તેમની જીતમાં ઉપયોગી સાબિત થયાં હતાં. કોંગ્રેસના મતનું ‘આપ’માં વિભાજન થતાં પોતાની હાર થઈ હોવાનું ભોળાભાઈએ જણાવ્યું હતું. બીજી તરફ ‘આપ’ના ઉમેદવાર તેજસ ગાજીપરાએ જણાવ્યું હતું કે, પટેલ સમાજના જેટલા મત મળવા જોઈએ તેટલા ન મળતા મારી હાર થઈ છે.
 

© 2023 Saurashtra Trust