ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી લીડ

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી લીડ
ધરાવવાનો રેકોર્ડ મુખ્યમંત્રી પટેલે રચ્યો
ઘાટલોડિયા બેઠક પરથી રેકોર્ડબ્રેક 1 લાખ 92 હજાર મતથી જીત, કોંગ્રેસ અને આપના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
અમદાવાદ, તા.8: (ફૂલછાબ ન્યુઝ) ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે ત્યારે ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઐતિહાસિક જીત થઈ છે. એક વખત ફરી ઘાટલોડિયાની જનતાએ મુખ્યમંત્રીને જંગી સંખ્યામાં મત આપી વધાવ્યા છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર ડૉ.અમી યાજ્ઞિકની હાર થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પર રેકોર્ડ બ્રેક 1 લાખ 92 હજાર 263 મતથી જીત થઈ છે. જે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી લીડ ધરાવવાનો રેકોર્ડ છે.
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર 59.71 ટકા મતદાન થયું હતું. આ બેઠક પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસનાં ડો.અમીબેન યાજ્ઞિક અને આપના વિજયભાઈ પટેલની કારમી હાર થઈ છે. તો બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1,92,263 મતની જંગી લીડથી વિજેતા બન્યા છે. આ લીડ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે જ્યારે કોંગ્રેસ અને આપના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે.
2017ની ચૂંટણીમાં પણ આ બેઠક પર ભાજપની જીત થઈ હતી. 2017માં ભાજપના તે વખતના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલની પાટીદાર આંદોલન તેની ચરમસીમાએ હતું તેમ છતાં પણ તેમણે કોંગ્રેસના શશીકાન્ત પટેલને 1,17,750 મતથી હાર આપી હતી. એ જ રીતે વર્ષ 2012માં પણ ઘાટલોડિયા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન ચૂંટણી લડયાં હતાં અને તેઓની 1,10,395 મતથી જીત થઈ હતી. અમદાવાદની ઘાટલોડિયાની બેઠક ભાજપનો ગઢ ગણાય છે. અહીંથી જીતવું એ કોંગ્રેસ માટે દીવાસ્વપ્ન સમાન છે. આમ, ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્યમંત્રી આપ્યા છે.

© 2023 Saurashtra Trust