રાજકોટ શહેરની ચારેય બેઠક ઉપર કમળ ખીલ્યું

રાજકોટ શહેરની ચારેય બેઠક ઉપર કમળ ખીલ્યું
પશ્ચિમ બેઠક ઉપર  ડો. દર્શિતા શાહે અધધ..1.05 લાખ મતોની જંગી લીડનો નવો રેકોર્ડ સ્થાપ્યો
પૂર્વમાં ઉદય કાનગડે કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુને આપ્યો પરાજય
દક્ષિણમાં રમેશ ટીલાળા ‘કોંગ્રેસ’ અને ‘આપ’ માટે જાયન્ટ કીલર સાબીત થયાં
ગ્રામ્યમાં ભાનુબેન બાબરિયાએ ફરી એક વખત ગઢ સર કર્યો
રાજકોટ તા. 8: (ફૂલછાબ ન્યુઝ) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા ચોંકાવનારા પરિણામોમાં રાજકોટ શહેરની ચારેય બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.
રાજકોટની સૌથી ચર્ચાસ્પદ એવી વિધાનસભા 68 બેઠક ઉપર હાઈપ્રોફાઈલ ચૂંટણી જંગ છેડાયો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને ભાજપના એક સમયના સૌથી યુવા મેયર ઉદય કાનગડ વચ્ચે જોરદાર ટક્કર જામી હતી જેમાં આજે પરિણામો જાહેર થતાં ઉદય કાનગડ 28542 મતોની લીડથી જીત્યાં છે. કાનગડને 85,933 મત મળ્યાં છે જ્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુને 57,397 મત મળ્યાં છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાંથી ગત કોર્પોરેશનની ચૂંટણી લડેલા રાહુલ ભુવાને 35,146 મત મળ્યાં છે. આ બેઠક ઉપર 2774 મત નોટામાં પડયાં છે. કુલ 20 રાઉન્ડના અંતે 1,85,102 મતો પડયાં હતાં. ઉપલાકાંઠાનો વિસ્તાર જૂના રાજકોટ તરીકે ઓળખાય છે, અહી જ્ઞાતિગત સમીકરણો સમજનારો પક્ષ જ જીતે છે. ભાજપે ઉપલાકાંઠે લગભગ દર ચૂંટણીમાં સતત ઉમેદવારો બદલ્યાં છે. આ વખતે ઉદય કાનગડનો પ્રયોગ ભાજપ માટે સફળ પૂરવાર થયો છે.
રાજકોટ-69 પશ્ચિમ બેઠકમાં માત્ર ફરી ભગવો લહેરાયો નથી પરંતુ જીતની સાથે જંગી લીડનો પણ એક નવો રેકોર્ડ સ્થપાયો છે. આ બેઠક ઉપર મતદાન ઓછુ થયું હતું છતાં ભાજપના ઉમેદવાર ડો.દર્શિતા શાહને 1.05 લાખની જંગી લીડ મળી છે. વર્ષ 2017ની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ બેઠક ઉપર 51,000 મતની લીડથી જીત્યાં હતાં. આ વખતે રેકોર્ડ તુટયો છે. દર્શિતાબેનને કુલ 1,38,687 મત મળ્યાં છે જેની સામે કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરિયાને 32,712 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ જોષીને 26,319 મત મળ્યાં છે. આ બેઠક ઉપર 1847 પોસ્ટલ વોટ તથા 3419 મત નોટામાં પડયાં છે. કુલ 2,04,012 મતો પડયાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બેઠક હમેશા ભાજપ માટે ફળદાયી નિવડી છે, ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાથી લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ બેઠક પરથી ચૂંટણી લડયાં છે અને જીત્યાં પણ છે. આ વખતે જે નામો ચર્ચાતા હતાં તેના બદલે નવું જ નામ ડો.દર્શિતા શાહનું જાહેર થયું હતું અને તેઓ પક્ષની આશાઓ પર ખરા ઉતર્યા છે.
રાજકોટ-70 દક્ષિણ બેઠક ઉપર પણ કમળ ખીલ્યું છે. છેલ્લા બે ટર્મથી અહીં ગોવિંદ પટેલનો દબદબો હતો પરંતુ આ વખતે ચૂંટણી જંગમાં ઝંપલાવનારા અને માત્ર ધો.10 સુધીનો અભ્યાસ કરનારા ખોડલધામના ટ્રસ્ટી અને સફળ ઉદ્યોગપતિ એવા ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાએ મેદાન માર્યુ છે તેઓ 78,864 મતોની જંગી લીડથી જીત્યાં છે. ટીલાળાને કુલ 1,01,734 મત મળ્યાં છે જ્યારે બીજા ક્રમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસિયાને 22,870 મતો મળ્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાને 22,507  મતથી સંતોષ માનવો પડયો છે. આ બેઠક ઉપર 610 પોસ્ટલ વોટ તેમજ 2353 મત ‘નોટા’ સહિત કુલ 1,53,275 મત પડયાં છે. આ બેઠક ઉપર અનેક નામો ચર્ચામાં હતાં પરંતુ છેલ્લે ભાજપે રમેશ ટિલાળાના નામ ઉપર મહોર મારી હતી. ટિલાળા ભાજપના કાર્યકર ન હોવાને લઈને છાનેખૂણે વિરોધ પણ ઉઠયો હતો અંતે ઘીના ઠામમાં ઘી રેડાઈ ગયું હતું.
રાજકોટ-71 ગ્રામ્ય બેઠક ઉપર ચૂંટણી લડનારા વોર્ડ નં.1ના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ફરી એક વખત આ બેઠક ઉપરથી વિજેતા જાહેર થયાં છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વશરામ સાગઠિયાને હરાવ્યાં છે. ભાનુબેનને 1,19,353 મત મળ્યાં છે. બીજા ક્રમે આમ આદમી પાર્ટીના વશરામ સાગઠિયાને 70,749 તથા કોંગ્રેસના સુરેશ બથવારને 29,052 મત મળ્યાં છે. ભાનુબેન કુલ 48,604 મતોની લીડથી જીત્યાં છે. આ બેઠક ઉપર કુલ 2,26,888 લોકોએ મતદાન કર્યુ હતું જેમાં 3022 મત નોટામાં પડયાં છે. ભાનુબેન વર્ષ 2012ની ચૂંટણી આ બેઠક ઉપરથી જીત્યાં હતાં. જો કે, 2017માં ભાજપમાંથી લાખાભાઈ સાગઠિયાએ આ બેઠક જીતી હતી. આજે ચારેય બેઠક પરના ઉમેદવારોની જંગી લીડ સાથે વિજયોત્સવમાં તમામ સમાજના અગ્રણીઓ જોડાયાં હતાં.
 

© 2023 Saurashtra Trust