સૌરાષ્ટ્રમાં સત્તાતરફી સુનામી

સૌરાષ્ટ્રમાં સત્તાતરફી સુનામી
ખૂલ્યાં ઇવીએમ, નીકળ્યો મોદીપ્રેમ
પાટીદાર અનામત આંદોલનની અસર સૌરાષ્ટ્રમાંથી તદ્દન ઓસરી
ગઈ : આપને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ કરતાં એક બેઠક વધારે મળી 
સૌરાષ્ટ્રની 48માંથી ભાજપને 40, કોંગ્રેસને 3 અને અઅઙને 4 બેઠક
રાજકોટ, તા.8 : લોકસભાની ચૂંટણીમાં ગુજરાત અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર હંમેશાં નિર્ણાયક બન્યું છે. 2022ની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં પણ સૌરાષ્ટ્રે નોંધપાત્ર પરિણામો આપ્યાં છે. રાજ્યના અન્ય વિસ્તારની જેમ અહીં પણ કમળ, કમળ અને કમળ જ ખીલ્યાં છે. સૌરાષ્ટ્રની કુલ 48 બેઠકમાંથી ભાજપને 40 બેઠક મળી છે. આમ આદમી પાર્ટીનો દેખાવ તદ્દન નબળો રહ્યો છે છતાં કોંગ્રેસ કરતાં તેને એક બેઠક વધારે મળી છે. આપને 4 અને કોંગ્રેસને 3 બેઠક સૌરાષ્ટ્રમાં મળી છે. કુતિયાણાની બેઠક સમાજવાદી પાર્ટીને મળી છે જો કે તેનું કારણ પક્ષ નહીં પરંતુ ઉમેદવાર કાંધલ જાડેજા છે. કોંગ્રેસની સંપૂર્ણ નિક્રિયતા છતી થઈ છે. જો કે, આવા પ્રચંડ વિજયનાં કારણમાં મુખ્ય તો લોકોનો નરેન્દ્ર મોદી પ્રત્યેનો પ્રેમ, વિશ્વાસ છે. નરેન્દ્રભાઈની સભાઓ, રોડ શો, તેમાં તેમણે કરેલી વાત, પાણી સમસ્યાથી લઈને અનેક મુદ્દા તેમણે કહ્યા તેની અસર થઈ. સૌરાષ્ટ્ર 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે તારણહાર હતું આજે ત્યાં કોંગ્રેસની એવી હાર થઈ છે કે કોંગ્રેસ તણાઈ ગઈ છે.
 કોંગ્રેસ સક્રિય નહોતી કે આમ આદમી પાર્ટીએ તેના મત તોડયા તેવા કોઈ બહાના વગર એવું જ કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીને અને વિશેષ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિભાને, લોકોની વચ્ચે રહેવાનાં તેમનાં અભિગમને સૌરાષ્ટ્રના મતદારોએ મત આપ્યા છે. કાર્યકર્તાઓની મહેનત, ભાજપની સરકારનાં કામો એ બધું એનાં સ્થાને છે જ પરંતુ ચૂંટણીમાં આટલી જંગી બહુમતીનું કારણ મોદી લહેર નહીં પરંત મોદી સુનામી છે તેમ કહેવું ખોટું નથી. સૌરાષ્ટ્રની કુલ 48 બેઠકમાંથી ચાર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. કોંગ્રેસને 3 બેઠક મળી છે. એટલે અહીં તો મુખ્ય વિપક્ષ આમ આદમી પાર્ટી છે. કોંગ્રેસે સૌરાષ્ટ્રનાં ગામડાં ગુમાવ્યાં, ત્યાં આપની એન્ટ્રી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ ભાજપને ફાયદો કરાવ્યો તેમ કહેવા કરતાં કોંગ્રેસને નુકસાન કર્યું છે તેમ કહેવું યોગ્ય છે. બોટાદ બેઠક પર આપના ઉમેશ મકવાણા, ગારિયાધાર બેઠક પર સુધીર વાઘાણી, જામજોધપુર બેઠક પર હેમંત ખવા વિસાવદર બેઠક પરથી ભૂપેન્દ્ર ભાયાણી ચૂંટાયા છે. કોંગ્રેસના વરિષ્ટ અગ્રણી, પોરબંદરથી ચૂંટાયેલા અર્જુન મોઢવાડિયાએ તો કહ્યું પણ ખરું કે આમ આદમી પાર્ટીને લીધે કોંગ્રેસને નુકસાન થયું છે.
મોંઘવારી, બેરોજગારી, પેપરો ફૂટવા સહિતના કોઈ મુદ્દા મતદારોએ ધ્યાને લીધા નથી. વિજયભાઈ રુપાણી કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા સિનિયરને ટિકિટ નથી મળી તેની અસર થશે તે અટકળ ખોટી પડી છે. ભાજપના જૂના કાર્યકર્તા સક્રિય નહોતા તેથી મત ઓછા પડશે તે વાત પણ ખોટી નિવડી છે. નરેન્દ્રભાઈ મોદીએ અહીં કરેલી જાહેરસભાઓ, સતત પ્રચારને લોકોએ ધ્યાને લીધો છે. ડર એ હતો કે ઓછું મતદાન થયું છે તેથી ભાજપને નુકસાન થશે પરંતુ પરિણામ પરથી સાબિત થયું કે જે મતદાર મત આપવા ન ગયા તે પણ કોંગ્રેસના હતા. ભાજપના પ્રતિબદ્ધ મતદારો તો પોતાના મત આપી જ આવ્યા હતા. કોંગ્રેસના પોતાના મત પડયા નહીં. થોડા વિરુદ્ધ મત આપને ગયા. એટલે ભાજપને નુકસાન નથી થયું ઉલટું ફાયદો થયો છે.
રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટિલાળાને 1,01,734 મત મળ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીના શિવલાલ બારસિયાને 22,870 મત મળ્યા છે કોંગ્રેસના હિતેશ વોરાને 22,507 મત મળતાં આપ અહીં બીજાં સ્થાને રહી છે. રાજકોટ ગ્રામ્યમાં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસથી આગળ છે અને જસદણ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોંગ્રેસના ભોળાભાઈ ગોહેલ કરતાં આગળ એટલે કે બીજા ક્રમે છે.
સૌરાષ્ટ્રની અનેક બેઠક પર ભાજપને જોખમ છે તેવું સતત કહેવાતું હતું પરંતુ એવું જરા પણ થયું નથી. રાજકોટ પશ્ચિમ બેઠક ભાજપનો ગઢ તો સાબિત થઈ છે જ પરંતુ તેની સરસાઈ એક નવો વિક્રમ સર્જનારી બની છે. અગાઉ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી 14,000 મતે, વિજયભાઈ રુપાણી 52 હજાર મતે આ બેઠક પરથી જીત્યા હતા. વજુભાઈ વાળા પણ જીતતા આવ્યા છે પરંતુ ભાજપના આ વખતનાં ઉમેદવાર ડો. દર્શિતા શાહ 1,05,975 મતે આ બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યાં છે. રાજકોટની અન્ય ત્રણ બેઠકમાં પણ મોટી લીડથી ભાજપ જીત્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરભામાં ઓછી મેદનીની ચર્ચા સતત હતી પરંતુ લોકોએ મત તો ભરપૂર આપ્યા. અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધીની સભા અને રોડ શોની કોઈ અસર રાજકોટમાં વર્તાઈ નથી.
કોંગ્રેસના વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલીની બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અમરેલીમાં 2017માં પાંચ બેઠક કોંગ્રેસને મળી હતી આ વખતે ત્યાં પાંચેય પર ભાજપ જીત્યો છે. સંપૂર્ણ પરિવર્તન થયું છે. આમ આદમી પાર્ટીના સ્ટાર ઉમેદવાર ઈસુદાન ગઢવી પણ જીતી શક્યા નથી. સામે ભાજપના નિશાન પર ચૂંટણી લડવા છતાં ગેનીબહેન ઓડેદરા કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજાની સામે હારી ગયાં છે. મોરબીની દુર્ઘટનાની કોઈ અસર મતદાન પર પડી નથી. ત્યાં પણ ભાજપનો વિજય થયો છે. જ્ઞાતિ સમીકરણને લીધે જે બેઠક પર જોખમ હતું તે દ્વારકામાં પણ ભાજપના પબુભા માણેકનો ભવ્ય વિજય થયો છે.
આજે જે પરિણામ આવ્યું છે તેને લીધે કોંગ્રેસ માટે એક  વાત સ્પષ્ટ થાય છે કે 2017માં જે બેઠકો તેને મળી હતી તેનું કારણ પાટીદાર અનામત આંદોલન હતું. જ્ઞાતિવાદને લીધે કોંગ્રેસ જીતી હતી. જરાય મહેનત કરી નથી છતાં કોંગ્રેસને 24 ટકા મત મળ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રીબડિયા વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી સામે હારી ગયા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા જવાહર ચાવડા માણાવદર બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. કુંવરજી બાવળિયાને હરાવવાનો પ્રયાસ ભાજપે જ કર્યો હોવા છતાં તેઓ સાંગોપાંગ બહાર નીકળી શક્યા છે. રાઘવજી પટેલ પણ આ મોદી સુનામીને લીધે ચૂંટણી જીતી શક્યા છે.
પાટીદાર અનામત આંદોલનની અસર સૌરાષ્ટ્રમાં હવે જરા પણ રહી નથી તે સ્પષ્ટ થઈ ગયું છે. આંદોલન સમયે ચર્ચિત ચહેરો રહેલા અને કોંગ્રેસના લડાયક ધારાસભ્ય તરીકેની છાપ ધરાવતા લલિત વસોયા લો પ્રોફાઇલ ઉમેદવાર પ્રો.મહેન્દ્ર પાડલિયા સામે હારી ગયા છે. ધોરાજીની બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે. બીજી તરફ ટંકારામાં લલિત કગથરાનો પણ પરાજય થયો છે. આમ જોઈએ તો પટેલ, ઓબીસી અને એસસી વર્ગના મતો ભાજપને સૌરાષ્ટ્રમાં વધારે મળ્યા છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાની 8માંથી 8 બેઠક ભાજપને મળી છે. જામનગર જિલ્લામાં જામજોધપુરમાં આપના ઉમેદવાર જીત્યા છે જ્યારે ભાજપને 4 બેઠક મળી છે. જૂનાગઢ જિલ્લામાં ભાજપને 3, કોંગ્રેસને એક અને આપને એક બેઠક મળી છે. દ્વારકામાં બન્ને બેઠક પર કમળ ખીલ્યું છે. પોરબંદરમાં એક બેઠક કોંગ્રેસે એક અન્ય એટલે કે સમાજવાદી પાર્ટીએ કબજે કરીને આશ્ચર્ય સર્જ્યું છે. બોટાદમાં બન્ને બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાવનગર જિલ્લામાં 6 બેઠક ભાજપને, ગારિયાધાર વાળી એક બેઠક આપને ફાળે ગઈ છે. સુરેન્દ્રનગરની 5 બેઠક પર ભગવો લહેરાયો છે.
સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલી ગણતરીમાં શરૂઆતથી જ ભાજપના ઝંઝાવાતી વિજયના સંકેત હતા. ગુજરાતની ચૂંટણીનું આ પરિણામ ભારતમાં નવો રેકોર્ડ  સ્થાપનારું છે તેમાં સૌરાષ્ટ્રનું પણ આ યોગદાન છે.
 

© 2023 Saurashtra Trust