56 જ નહીં,156

56 જ નહીં,156
ભરોસો બરકરાર : ફરી ભાજપ સરકાર
ગુજરાતમાં ભાજપનો અભૂતપૂર્વ વિજય : ભાજપ સાથે સત્તાની સપ્તપદી સર્જતા મતદારો
રાજકોટ, તા.8 ભાજપનો ગઢ, સંઘની લેબોરેટરી ગણાતા ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો અભૂતપૂર્વ આવ્યાં છે. ભાજપનો 156 બેઠકો પર વિજય થયો છે. ચૂંટણી પૂર્ણ થાય પછી વિવિધ વિશ્લેષણ થાય જેમાં કઈ જ્ઞાતિ કોના પક્ષે રહી, ક્યા વિસ્તારમાં કોણ આગળ રહ્યું એવી વાત થાય પરંતુ આજનાં પરિણામે આ ભેદ મીટાવી દીધા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મતદારોએ કોંગ્રેસની હકાલપટ્ટી કરી છે. શહેરોમાં ભાજપે દબદબો જાળવી રાખ્યો છે. પતિ-પત્ની લગ્ન વખતે ફેરા ફરે તેને સપ્તપદી કહેવાય છે. ગુજરાતની પ્રજાએ ભાજપને સતત સાતમીવાર સુકાન સોંપીને જાણે સત્તાની સપ્તપદી રચી છે. પાટીદાર, ઓબીસી, દલિત અને આદિવાસી તમામ સમાજ-વર્ગ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે તે સ્પષ્ટ છે.
સૌરાષ્ટ્ર ગયા વખતે કોંગ્રેસ માટે ગઢ બન્યું હતું ત્યાં કોંગ્રેસનાં કાંગરાં ખર્યાં એમ નહીં પરંતુ આખી દીવાલો ધ્વસ્ત થઈ છે. કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ફક્ત 3 બેઠક જ મળી છે. સુરત-દક્ષિણ ગુજરાતમાં પણ પાંચ જિલ્લાની 28માંથી 27 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ગત ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસને 60 બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે . ફક્ત 17 બેઠક  પર વિજેતા થયેલી કોંગ્રેસ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભા વિરોધપક્ષનો દરજ્જો પણ મેળવી શકે તેમ નથી. આવું લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કેન્દ્રીય સ્તરે થઈ ચૂક્યું છે. હવે રાજ્યસભામાં પણ ગુજરાતમાંથી કોંગ્રેસ કોઈને મોકલી શકે તે સ્થિતિમાં રહી નથી. કોંગ્રેસની માઠી દશા ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી છે પરંતુ આટલી ખરાબ સ્થિતિ અગાઉ ક્યારેય નહોતી.
પ્રચારમાં નિક્રિય રહેવાનું કોંગ્રેસને ભારે પડયું છે. મુદ્દા તો અનેક હતા, લોકોએ તેને અવગણ્યા તે સાચું પરંતુ વિપક્ષની તો ફરજ છે કે તે મુદ્દા લઈને લોકો સુધી જાય પરંતુ તેવું થયું નથી. આમ આદમી પાર્ટીએ શરૂઆતમાં થોડું કૌવત બતાવ્યું પરંતુ છેલ્લાં બે-ત્રણ સપ્તાહ તો એ પણ નિરસ હતી. તેની સામે નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્રનાં જામકંડોરણા, જસદણ, પાલિતાણા જેવાં ગામડાઓમાં પણ સભા કરી આવ્યા. સૌરાષ્ટ્રમાં જે જ્ઞાતિનું પ્રભુત્વ છે તે નેતાઓને તેમણે જાહેરમાં બિરદાવ્યા, યાદ કર્યા. વિકાસની વાત મતદારોને સ્પર્શી ગઈ. ખાસ તો મધ્ય ગુજરાતમાં અને અન્ય વિસ્તારમાં પણ હિન્દુત્વની વાત પણ અસર કરી ગઈ. મહાકાળી માતાનાં મંદિરનો જિર્ણોદ્ધાર, ઉજ્જૈન વગેરે ક્ષેત્રનો વિકાસ, અયોધ્યા મંદિર અને કાશ્મીર 370 જેવી બાબતોની થોડી અસર રહી. પ્રજાએ થયેલો વિકાસ યાદ રાખ્યો. આવું થશે, મફત મળશે તેવા વાયદાને ધ્યાને લીધા નથી. ગુજરાતમાં ત્રીજો મોરચો કોઈ દિવસ સફળ થયો નથી તે વધુ એકવાર સાબિત થઈ ગયું.
ગુજરાતના મતદારોનાં મનમાં ઊંડે ઊંડે એ વાત હતી કે મોદી આખરે તો આપણા છે અહીં જ જો ભાજપ હારે તો તેમને કેન્દ્રમાં તકલીફ પડે. તેથી મોંઘવારી, ગેસ-ઈંધણના વધતા ભાવ, પેપરો ફૂટવા કે બેરોજગારી જેવા પ્રશ્નોને વિસારે પાડી દઈને પણ લોકોએ ભાજપને મત આપ્યા. આમ આદમી પાર્ટીએ જોર કર્યું પરંતુ તેની અસર કોંગ્રેસને વધારે થઈ. અનેક બેઠક પર આપ બીજા ક્રમે છે. આપના 128 ઉમેદવારની તો ડિપોઝિટ જપ્ત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1,92,263 મતોની સરસાઈથી જીત્યા. તેમના ઉપરાંત અન્ય 8 ઉમેદવાર 1 લાખથી વધારે સરસાઈથી વિજેતા થયા છે. જેમાં રાજકોટ પશ્ચિમ બેઠકનાં ડો.દર્શિતા શાહ પણ છે.
2017માં આંદોલનોમાંથી રાજકીય સતહ પર આવેલા યુવાન હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપમાંથી અને જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાંથી ચૂંટણી જીતી ગયા છે. કોંગ્રેસની બેઠકો સત્તર છે પરંતુ રાજ્યમાં હવે મુખ્ય વિરોધપક્ષની ભૂમિકામાં જો રહેશે તો આમ આદમી પાર્ટી રહેશે. ઘણી બેઠકો પર આપ બીજા ક્રમે છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબૂત હતી. હવે તો તેના હાથમાંથી ગામડાનો મતદાર પણ અત્યારે છીનવાઈ ગયો છે. ભાજપનો વોટશેર 52.2 ટકા થયો છે તેનું કારણ તેને મળેલી બેઠકો જ નથી પરંતુ અમદાવાદ, મધ્ય ગુજરાતમાં જે તેની પરંપરાગત બેઠકો છે ત્યાં થયેલું જંગી મતદાન છે. ભાજપને મતદાનના ત્રીજા દિવસે ખબર હતી કે તેમના પ્રતિબદ્ધ મતો તો ઇવીએમમાં પડી જ ગયા છે.
ત્રીપાંખિયો જંગ એવું આ ચૂંટણી વિશે કહેવાતું હતું. ત્રીજા પક્ષને મતદારોએ સ્વીકાર્યો નથી પરંતુ કોંગ્રેસ માટે તે ઘાતક નિવડયો છે.
 

© 2023 Saurashtra Trust