ગોંડલાધારનો યુવાન ઘઉં લેવા નીકળ્યા બાદ લાશ મળી : હત્યાનો આક્ષેપ

શિવરાજપુરની યુવતી સાથે ફોનમાં વાતો કરતો હોવાની જાણ થતાં પરિવાર તરફથી ધમકી મળી’તી
રાજકોટ, તા.8: જસદણ તાબેનાં ગોંડલાધાર ગામે રહેતો હિતેષ બોઘાભાઈ માનકોલિયા નામનો યુવાન ગઈકાલે સાંજે બાઇક લઈને ઘેરથી જસદણ વાવણીનાં ઘઉં લેવા જવાનું કહી નીકળ્યા બાદ મોડી સાંજે ગામની સીમમાં રોડ પરથી ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી.
આ બનાવ અંગેની જાણ થતા મૃતક હિતેષના પરિવારજનો અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતક હિતેષના પરિવારજનોએ હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતા મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડયો હતો.
પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક હિતેષ ચાર ભાઈમાં નાનો અને અપરિણીત હતો અને શિવરાજપુરની યુવતી સાથે મિત્રતા હોય બન્ને ફોન પર વાતચીત કરતા હતા. દરમિયાન યુવતીના પરિવારને જાણ થતા મૃતક હિતેષને ધમકી આપવામાં આવતી હતી અને આઠેક દિવસથી હિતેષ બહારગામ જતો રહયો હતો અને પરમ દિવસે પરત આવ્યો હતો. મૃતક હિતેષનાં શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા અને નજીકમાં બાઇક પાર્ક કરેલું મળ્યું હતું. પોલીસે મોબાઇલની કોલ ડિટેઇલના આધારે તેમજ મૃતકના પરિવારજનોના આક્ષેપનાં પગલે શિવરાજપુરની યુવતી તથા તેના પરિવારજનો સહિતના સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

© 2023 Saurashtra Trust