જેતપુરમાં રિક્ષાચાલકની છરીના ઘા ઝીંકી હત્યા

જેતપુરમાં રિક્ષાચાલકની છરીના ઘા ઝીંકી હત્યા
બાઈકમાં બે બાળકો સાથે આવેલો શખસ ઢીમ ઢાળી ફરાર: સીસીટીવી કેમેરામાં કેદ હત્યારાની શોધખોળ
જેતપુર, તા.8 : રબારિકા રોડ પર દુકાન બહાર ખુરસીમાં બેઠેલા રિક્ષાચાલકની બાઈકમાં બે બાળકો સાથે આવેલા અજાણ્યા શખસે છરીના ઘા ઝીંકી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે કેમેરામાં કેદ થયેલા હત્યારાને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, રામૈયા હનુમાન મંદિર વિસ્તારમાં રહેતા દેવાભાઈ સીદાભાઈ રાઠોડ નામના આધેડ રિક્ષાચાલક રબારિકા રોડ પર આવેલી એક વેલ્ડિંગની દુકાને છકડો રિક્ષા રીપેરિંગ કરાવવાના કામ અર્થે ગયા હતા અને કામમાં થોડીવાર લાગે એમ હોય દુકાનની બહાર ખુરસીમાં બેઠા હતા. દરમિયાન એક બાઈકમાં બે બાળકો સાથે અજાણ્યો શખસ આવ્યો હતો અને દેવાભાઈ રાઠોડ સાથે વાતચીત કરી છરીથી હુમલો કરતા દેવાભાઈ જીવ બચાવવા માટેથી દોડયા હતા અને દેકારો કરી બચાવવા માટે મદદ માગી હતી. કોઈ મદદે દોડી આવે તે પહેલા જ અજાણ્યો શખસ દેવાભાઈ રાઠોડની હત્યા કરી બાળકો સાથે બાઈકમાં નાસી છૂટયો હતો.
રબારિકા રોડ પર જ્યાં હત્યાનો બનાવ બન્યો હતો ત્યારે બાજુમાં જ ભાજપના વિજેતા ઉમેદવાર જયેશભાઈ રાદડિયાનું વિજય સરઘસ નીકળ્યું હતું અને મોટાભાગનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં હતો. આ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ તથા પરિવારજનો દોડી ગયા હતા અને દેવાભાઈનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે નજીકમાં આવેલી દુકાનમાં સીસીટીવી કેમેરા તપાસતા તેમાં સમગ્ર ઘટના જોવા મળી હતી અને હત્યાની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી શોધખોળ શરૂ કરી હતી.

© 2023 Saurashtra Trust