આ જીતનું વળતર ચૂકવવા 18 કલાક કામ કરીશ : કાંતિ અમૃતિયા

- મોરબીમાં ધામધૂમ વગર જીતની ખુશી મનાવાઈ : આજે મચ્છુ માતાના મંદિરે હવન કરીને જીતની ઉજવણી કરાશે
મોરબી, તા. 8: ‘આ જીત મારી નથી, મોરબી- માળિયા બેઠકના મતદારો અને કાર્યકર્તાઓની છે. હવે તેમનું વળતર ચૂકવવા હું 18 કલાક કામ કરીશ’. તેમ ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ જાહેર થયા બાદ આયોજિત વિજયસભામાં જણાવ્યું હતું.
મોરબી- માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાનો 62 હજારની જંગી લીડથી વિજય થયો છે. પરિણામ બાદ તેઓએ વિજયસભાને સંબોધી હતી. આ વેળાએ તેઓએ જણાવ્યું હતું કે અમે કોઈ ધામધૂમથી ઉજવણી કરવાના નથી. સાદાઈથી જ આવતીકાલે મચ્છુ માતાના મંદિરે હવન કરીને આ જીતની ઉજવણી કરવાના છીએ.
તેઓએ ઉમેર્યું કે બધી જ્ઞાતિએ દૂધમાં સાકરની જેમ ભળીને આવી જંગી લીડ આપી છે. હવે હું ગામોના રસ્તા, પાણીની વ્યવસ્થા, ગાર્ડન બનાવવા, રિંગ રોડ બનાવવા સહિતના વિકાસ કામોને વેગ આપીશ. વાંકાનેરમાં જીતુભાઇ મર્દ માણસ, ટંકારામાં દુલાભાઈ રેડી માણસ, હળવદમાં પ્રકાશ તો તોડી નાખે એવો અને જોડિયામાં મેઘજીભાઈ, હવે ચારેય ટાયર મજબૂત આવી ગયા છે એમાંય હું ડ્રાઇવર છું એટલે હવે કઈ ઘટવા નહીં દઉં.
અંતમાં તેઓએ રમૂજ પૂર્વક જણાવ્યું હતું કે હરીફ ઉમેદવાર જયંતીભાઈ પટેલ મારા બનેવી થાય. તેઓ ઘણી વખત મારી સામે હાર્યા છે પણ આ વખતે તો મને દયા આવી ગઈ હતી અને હવે દૂધમાં સાકર ભળે તેમ ભળી પણ જશે.
કાંતિલાલ અમૃતિયાએ કહ્યું કે આખા રાજ્યમાં રોડ બનાવવા માટેના જે ક્રાઇટ એરિયા છે તે મોરબીમાં લાગુ ન પડે, કારણકે અહીં તો 100 ટનના વાહનો આવે છે. પછી રોડ ગમે તેટલી વાર બનાવીએ તૂટી જાય છે. માટે રોડની ડિઝાઈન ફેરવવી પડશે. મોરબીથી 135 દેશોમાં માલ જાય છે. સેંકડો લોકોને એનાથી રોજગારી મળે છે. એટલે અહીંના ઉદ્યોગોનું વિશેષ ધ્યાન રાખવું પડશે. સરકાર તરફથી તેમને તમામ સ્પોર્ટ મળશે. માળિયામાં આગેવાનો સપોર્ટ કરે તો પાંચ વર્ષમાં 100 કારખાના શરૂ કરાવવાની તૈયારી છે.

© 2023 Saurashtra Trust