ભાજપે ગઢ જાળવ્યો પણ હિમાચલ ગુમાવ્યું

 ‘આપ’નો ગુજરાતથી રાષ્ટ્રીય ઉદય : હિમાચલનું પરિણામ ભાજપ માટે ઝાંખપરુપ
આનંદ વ્યાસ
નવી દિલ્હી તા.8 : ભાજપે ગુજરાતનો ગઢ જાળવી રાખ્યો પરંતુ હિમાચલ પ્રદેશમાં હાથમાં રહેલી સત્તા ગુમાવતાં કહીં ખુશી, કહીં ગમ..જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પહેલા દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 1પ વર્ષના શાસનનો અંત લાવનાર આમ આદમી પાર્ટી ગુજરાતમાં મળેલા જનસમર્થનથી ‘રાષ્ટ્રીય પાર્ટી’ તરીકે ઉભરી છે.
એમાં કોઈ શંકા નથી કે ગુજરાતમાં મોદી મેજિક છે પરંતુ હિમાચલ પ્રદેશમાં ભાજપે સત્તા ગુમાવતાં ગુજરાતના ઐતિહાસિક વિજયની ઉજવણીમાં આ પરિણામ ઝાંખપ સમાન છે. બીજી તરફ ગુજરાતમાં કારમો પરાજય મેળવનાર કોંગ્રેસે હિમાચલ જીતી પરાજયના ગમમાં થોડી ખુશી મેળવી છે. હિમાચલમાં બાગીઓ, જૂની પેન્શન યોજના, મોંઘવારી, અગ્નિવીર યોજના જેવા અનેક મુદ્દા હતા જેથી ભાજપની મુશ્કેલી વધી હતી.
હિમાચલનો પરાજય ભાજપ માટે નાલેશીજનક એટલે પણ બની રહ્યો કારણ કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાનું તે ગૃહ રાજય છે. નડ્ડાને રાષ્ટ્રીય પ્રમુખ પદે એક વર્ષનું એકસટેન્શન અપાય તેવી ચર્ચા હતી પરંતુ હિમાચલના પરાજય બાદ પાર્ટી નેતૃત્વની સમીક્ષા પર સઘળો મદાર રહેલો છે. કર્ણાટકની ચૂંટણી પહેલા ભાજપ માટે ગુજરાતનો વિજય ઉત્સાહ વધારનારો બની રહેશે પરંતુ ભાજપના મોટાભાગના વિજયનો ભાર મહદઅંશે મોદીના ખભા પર જ હોય છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે વિવિધ રાજયોની વિધાનસભા ચૂંટણી આત્મમંથન સમાન બની રહેશે.

© 2023 Saurashtra Trust