9 ઉમેદવારની લીડ 1 લાખ કરતા અને 41 ઉમેદવારની 50 હજાર કરતા વધારે

અમદાવાદ તા. 8: આજે જાહેર થયેલાં પરિણામોમાં સૌથી વધુ લીડ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છે. તેઓને 1,92,263ની લીડ મળી છે, જે એક ગુજરાતના ઇતિહાસમાં રેકોર્ડબ્રેક લીડ તરીકે પ્રસ્થાપિત થઈ છે. આ ઉપરાંત ભાજપના 9 ઉમેદવાર એવા છે કે જેમની લીડ 1 લાખ કરતા વધુ છે. જેમાં સુરતની ચોર્યાસી બેઠક, મજૂરા બેઠક, ઓલપાડ બેઠક તેમજ સુરત પૂર્વની બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ પશ્ચિમ, પંચમહાલની કાલોલ, વલસાડની વલસાડ, વડોદરાની માંજલપુર અને અમદાવાદની એલિસબ્રીજ બેઠકનો સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટી 41 બેઠક પર 50 હજાર કરતા વધુ મતથી જીતી છે. જેમાં અકોટા, અસારવા, બાલાસિનોર, બારડોલી, ભરૂચ, ભાવનગર પૂર્વ, ભાવનગર ગ્રામ્ય, ભૂજ, દસક્રોઇ, ગણદેવી, નડિયાદ, નારણપુરા, નરોડા, નવસારી, નિકોલ, પારડી, પ્રાંતિજ, રાજકોટ દક્ષિણ, જલાલપોર, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જેતપુર, કામરેજ, કતારગામ, લિંબાયત, માંગરોળ (સુરત), મણિનગર, મોરબી, રાવપુરા, સાબરમતી, સયાજીગંજ, ઠક્કરબાપાનગર, ઠાસરા, ઉધના, ઉમરગામ, ઉંઝા, વડોદરા શહેર, વટવા, વેજલપુર, વિરમગામ અને વઢવાણની બેઠકનો સમાવેશ થાય છે. 
કોંગ્રેસના 44 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 179 ઉમેદવાર અને આમ આદમી પાર્ટીએ 182 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. આજે જાહેર થયેલાં પરિણામોમાં કોંગ્રેસના 44 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી, વિપક્ષી નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ લલિત કથગરા, વાંકાનેરથી પીરઝાદા, રાધનપુરથી રઘુ દેસાઈ, ખંભાળિયાથી વિક્રમ માડમ, જામજોધપુરથી ચિરાગ કાલરિયા, લાઠીથી વીરજી ઠુમ્મર, સાવરકુંડલાથી પ્રતાપ દૂધાત, બોરસદથી રાજેન્દ્રાસિંહ પરમાર, છોટા ઉદેપુરથી સંગ્રામાસિંહ રાઠવા જેવા નેતાઓની હાર થઈ છે. 
આપના 128 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત
આજે જાહેર થયેલાં પરિણામોમાં આમ આદમી પાર્ટીએ 5 બેઠક પ્રાપ્ત કરીને વિધાનસભામાં એન્ટ્રી કરી છે અને 12.9 ટકા જેટલો વોટશેર મેળવતા હવે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થશે જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો કતારગામ બેઠક પરથી તેમજ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરાયેલા ઇશુદાન ગઢવીનો ખંભાળિયા બેઠક પરથી પરાજય થવા પામ્યો છે. આ ઉપરાંત વરાછા રોડ પરથી અલ્પેશ કથિરિયા, કરંજ બેઠક પરથી મનોજ સોરઢિયા, મજૂરા બેઠક પરથી પી.વી.એસ.શર્મા, ઓલપાડ બેઠક પરથી ધાર્મિક માલવિયા અને માંડવી બેઠક પરથી કૈલાસ ગઢવીની હાર થઈ છે.  
ભાજપને 52.5, કોંગ્રેસને 27.3
અને આપને 12.9 ટકા મત મળ્યા
આજે જાહેર થયેલાં પરિણામોમાં ભાજપને 156 બેઠક પર વિજય પ્રાપ્ત થયો છે. ભાજપને 52.5 ટકા વોટશેર સાથે 156, કોંગ્રેસને 27.3 ટકા સાથે 17 બેઠકો જ્યારે આમ આદમી પાર્ટીને 12.9 ટકા સાથે 5 બેઠક અને અન્યને 4 બેઠકો પ્રાપ્ત થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોમાંથી ભાજપને 46, કોંગ્રેસને 3 બેઠક, આપને 4 બેઠક જ્યારે અન્યને 1 બેઠક મળી છે. દક્ષિણ ગુજરાતની 35 બેઠકમાંથી ભાજપને 33, કોંગ્રેસને 1 અને આપને 1 બેઠક મળી છે. મધ્ય ગુજરાતની 61 બેઠકોમાંથી ભાજપને 55, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠક મળી છે. ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી ભાજપને 25, કોંગ્રેસને 5 અને અન્યને 2 બેઠકો મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2017માં ભાજપને 50 ટકા વોટશેર સાથે 99 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસના 42.02 ટકા સાથે 77 બેઠકો મળી હતી.

© 2023 Saurashtra Trust