દોહા તા.8: બે વખતની પૂર્વ ચેમ્પિયન આર્જેન્ટિનાની ટીમે ફૂટબોલ વિશ્વ કપ-2022ના સેમિ ફાઇનલમાં પહોંચવા માટે નેધરલેન્ડ સામે જીત સાથે ઇતિહાસ પલટાવવો પડશે. બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં ઓવરઓલ 9 મેચની ટકકર થઇ છે. જેમાં નેધરલેન્ડની ટીમ ચાર જીત અને બે ડ્રો સાથે આગળ છે. જયારે આર્જેન્ટિનાને 3 મેચમાં જીત નસીબ થઇ છે. જો કે વર્તમાન વિશ્વ કપમાં આર્જેન્ટિનાની ટીમ શાનદાર ફોર્મમાં રમી છે. તેનો કપ્તાન અને સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સી શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. તેનો આખરી વિશ્વ કપ છે. તે સંન્યાસ પૂર્વે ફીફા ટ્રોફી જીતવા કોઇ કસર છોડશે નહીં. આર્જેન્ટિના છેલ્લે મેરેડોનોની કમાલથી 1986માં ચેમ્પિયન બની હતી. મેસ્સીની ટીમને હવે તેના 36 વર્ષ બાદ ફરી વિશ્વ વિજેતા બનાવનું લક્ષ્ય રાખે છે. બીજી તરફ નેધરલેન્ડની ટીમ વિશ્વ કપમાં ત્રણ વખત ફાઇનલ સુધી પહોંચી છે, પણ એક વાર પણ ફીફા ટ્રોફી નસીબ થઇ નથી. તે આ વખતે ચમત્કાર માટે આતુર છે.
નેધરલેન્ડ સામે આર્જેન્ટિનાની કવાર્ટરમાં કસોટી
