ઇજાગ્રસ્ત કપ્તાન રોહિત શર્મા સ્વદેશ પરત ફરશે

ઇજાગ્રસ્ત કપ્તાન રોહિત શર્મા સ્વદેશ પરત ફરશે
- બાંગલાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં અભિમન્યુ ઇશ્વરનનો સમાવેશ
 
મિરપુર, તા.8: બીજા વન ડે દરમિયાન કેચ કરતી વખતે ઇજાગ્રસ્ત થનાર ભારતીય કપ્તાન રોહિત શર્મા શનિવારે રમાનાર શ્રેણીના આખરી મેચમાં રમી શકશે નહીં, આ ઉપરાંત તે બાંગલાદેશ પ્રવાસની બે ટેસ્ટની શ્રેણીની પણ બહાર થઈ ગયો છે. તેનાં સ્થાને ભારતીય એ ટીમના સુકાની અભિમન્યુ ઇશ્વરનની પસંદગી થઈ શકે છે. તેણે બાંગલાદેશ સામેના બન્ને બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં સદી કરી છે.
શનિવારે બાંગલાદેશ સામેના ત્રીજા વન ડેમાં રોહિત શર્મા ઉપરાંત દીપક ચહર અને નવોદિત ઝડપી બોલર કુલદીપ સેન પણ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. ચહરના પગના સ્નાયુ ખેંચાઈ ગયા છે જ્યારે કુલદીપને પીઠની તકલીફ છે.
બીજા મેચની હાર બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કે રોહિત શર્માની આંગળીમાં ઇજા થઈ છે. આથી તે મુંબઈ પરત ફરશે અને તબીબી સારવાર કરાવશે. તે ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી પણ અમે કોઈ જોખમ લેવા માગતા નથી. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ઇજાના દર્દ છતાં રોહિતે બીજા મેચમાં નવમા ક્રમે બેટિંગમાં આવીને આતશી અર્ધસદી કરીને ભારતને જીત નજીક પહોંચાડયું હતું. જો કે અંતમાં પ રને ભારતની હાર થઈ હતી.

© 2023 Saurashtra Trust