ક્રોએશિયા વિરુદ્ધ બ્રાઝિલનું પલડું ભારે

ક્રોએશિયા વિરુદ્ધ બ્રાઝિલનું પલડું ભારે
- ગત વિશ્વ કપની ઉપવિજેતા ટીમ ક્રોએશિયા માટે બ્રાઝિલની બાધા પાર કરવી કઠિન
 
દોહા, તા.8: ફીફા વર્લ્ડ કપનો રોમાંચ તેના ચરમ પર પહોંચી ચૂક્યો છે. શુક્રવારથી ક્યાર્ટર રાઉન્ડનો તબક્કો શરૂ થશે. જેમાં પહેલી ટક્કર પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન બ્રાઝિલની ટક્કર ગત વિશ્વ કપની ઉપવિજેતા ટીમ ક્રોએશિયા વિરુદ્ધ થશે. ફૂટબોલ વર્લ્ડ કપમાં બન્ને ટીમ ત્રીજીવાર આમને-સામને હશે. ઓવરઓલ બન્ને ટીમ એક-બીજા સામે ચાર વખત રમી છે. રાઉન્ડ-16માં બ્રાઝિલે દ. કોરિયા સામે 4-1 ગોલથી શાનદાર જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ મેચમાં બ્રાઝિલ તરફથી નેમાર, રિચર્લિસન, વિનીસિયસ અને લુકાસ પેકવેટાએ ગોલ કર્યાં હતા. ઇજામાંથી નેમાર વાપસી કરી ચૂક્યો છે અને કોરિયા સામે તેણે કમાલનું પ્રદર્શન કર્યું હતું. આથી ક્રોએશિયા વિરુદ્ધ બ્રાઝિલ વિજયની પ્રબળ દાવેદારનાં રૂપમાં મેદાનમાં ઉતરશે. આ મેચ શુક્રવારે ભારતીય સમય અનુસાર રાત્રે 8-30થી શરૂ થશે.
ગત ફૂટબોલ વિશ્વ કપની ઉપવિજેતા ટીમ રાઉન્ડ-16માં જાપાનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ક્વાર્ટરમાં પહોંચી છે. ટીમની ચિંતા તેના કપ્તાન અને સ્ટાર સ્ટ્રાઇકર લુકા મોર્ડિચનો નબળો દેખાવ છે. ગત વિશ્વ કપમાં શ્રેષ્ઠ ખેલાડીનો ખિતાબ ગોલ્ડન બોલ જીતનાર મોર્ડિસ વર્તમાન વિશ્વ કપમાં હજુ સુધી ગોલ કરી શક્યો નથી. બ્રાઝિલ સામે તેની રમત ક્રોએશિયા માટે મહત્ત્વની બની રહેશે.
બન્ને ટીમના હેડ ટૂ હેડ રેકોર્ડ અનુસાર ક્રોએશિયા પર બ્રાઝિલનું પલડું ભારે છે. બન્ને ટીમ વચ્ચેના કુલ ચાર મેચમાંથી ત્રણમાં બ્રાઝિલનો વિજય થયો છે જ્યારે 200પનો એક દોસ્તાના મેચ ડ્રો રહ્યો હતો. ક્રોએશિયાએ સેમિ ફાઇનલમાં પહોંચવું હશે તો બ્રાઝિલ સામે ઐતિહાસિક જીત મેળવવી પડશે.

© 2023 Saurashtra Trust