અલંગ શીપ બ્રાકિંગમાં જહાજોની સંખ્યા તળિયે

અલંગ શીપ બ્રાકિંગમાં જહાજોની સંખ્યા તળિયે
મહિને ત્રણથી ચાર જહાજો જ આવે છે, કાચા-તૈયાર માલની માગમાં પણ બેહદ ઘટાડો
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ,તા.24 : ક્રેપના તૂટતા ભાવ, નબળી માગ, ડોલરની તેજી અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને લીધે શીપબ્રાકિંગ યાર્ડોની સ્થિતિ નાજૂક થઇ ગઇ છે. એશિયાના સૌથી મોટાં જહાજવાડા અલંગમાં ચાર પાંચ મહિનાથી કામકાજ ઘટી ગયા છે, ઘટતા જાય છે. મહિને સરેરાશ ત્રણથી ચાર જહાજો ભાંગવા માટે માંડ માંડ આવે છે. શિપ રિસાઇક્લીંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સેક્રેટરી હરેશ પરમારે કહ્યું કે, જહાજનું આગમન ખૂબજ ઘટી ગયું છે. મહિને 20-25 જહાજો અગાઉ આવતા એની બદલે ત્રણથી ચાર માંડ માંડ આવે છે. જહાજો નહીં આવવાનું કારણ ડિસ્પેરિટીનું તો છે જ પણ સંલગ્ન ચીજો જેવીકે ક્રેપ અને મેલ્ટીંગના ભાવ પણ ખૂબ તૂટી ગયા છે. જહાજોમાંથી નીકળતી કિંમતી ચીજોમાં ય અત્યારે ઘરાકી નથી. ધીરે ધીરે વ્યાપક મંદી ઘર કરી રહી હોય એવું જણાય છે.
તેમણે કહ્યું કે, હવે વૈશ્વિક સ્તરે કાર્ગો પરિવહન વધ્યું છે. જહાજ માલિકોને બલ્ક અને કન્ટેઇનર ટ્રાફિક મળે છે એટલે ફ્રેઇટ વધ્યા છે. એ કારણે જહાજો ભાંગવા માટે ઓછાં આવે છે. જે જહાજો ભાંગવા માટે મૂકાય છે તે બાંગ્લાદેશ અને પાકિસ્તાન ઉંચા ભાવ આપીને લઇ જાય છે. બાંગ્લાદેશ એક ટનનો ભાવ 535-550 ડોલર ઓફર કરે છે. પાકિસ્તાનનો ભાવ  550 ડોલર ચાલે છે. એની સામે ભારતની ઓફ 500 ડોલર આસપાસ જ રહે છે એટલે માલિકો વેચતા નથી. ઉક્ત બન્ને દેશોમાં જહાજો ઢસડાઇ જાય છે. 
ક્રેપના ભાવ આપણે ત્યાં રૂ. 44 પ્રતિ કિલો ચાલે છે જ્યારે મેલ્ટીંગનો ભાવ રૂ.37 થઇ ગયો છે. ટૂંકા સમયમાં રૂ. 7થી 8નો કડાકો બોલાઇ જતા પણ જહાજો લાવ્યા પછી કમાણી નથી. માગ પણ ઓછી છે. સસ્તાં ફિનીશ્ડ પ્રોડક્ટસની રશિયા અને ચીનથી ધૂમ આયાત કરવામાં આવે છે. છતાં હવે ચીનમાં ફરી કોરોના લોકડાઉન આવ્યું છે અને પ્રતિબંધો લાગી રહ્યા હોવાથી જાન્યુઆરી-ફેબ્રુઆરીથી અલંગની પરિસ્થિતિમાં સુધારો થશે એવું દેખાઇ રહ્યું છે.
બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં રિસાઇક્લિગ બજારમાં થોડી ચહેલપહેલ વધી છે. છતાં હજુ મોટાંભાગના ક્રેપયાર્ડો નવા જહાજ ફૂંકી ફૂંકીને ખરીદી રહ્યા છે. હજુ આ ઉદ્યોગમાં અસ્થિરતા રહેવાનું જોખમ દેખાય છે. આવી પરિસ્થિતિમાં અલંગમાં વૈશ્વિક શીપ બ્રેકરો અને એજન્ટસને આશાનું કિરણ દેખાય છે.

© 2022 Saurashtra Trust