25 વર્ષ પછીના ગુજરાતનો નિર્ણય આ ચૂંટણી કરશે: મોદી

25 વર્ષ પછીના ગુજરાતનો નિર્ણય આ ચૂંટણી કરશે: મોદી
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ-મોડાસા, તા.ર4: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિજય સંકલ્પ સંમેલન અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર, સાબરકાંઠાના મોડાસા, ગાંધીનગરના દહેગામ અને અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે જંગી સભાઓ સંબોધી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ જે તે જિલ્લાના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આગમી રપ વર્ષ દેશ માટે અમૃતકાળ સમાન છે અને અમૃત કાળની અંદર આ પહેલી ચૂંટણી છે આ ચૂંટણી પાંચ વર્ષ માટે નથી, આ ચૂંટણી રપ વર્ષ પછી ગુજરાત કેવું હશે તેનો નિર્ણય કરશે. આપણું ગુજરાત વિકસીત બને અને દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીમાં આપણે ક્યાંય પાછા ન પડીએ તેના માટે આ ચૂંટણી છે.
પાલનપુર ખાતે વડાપ્રધાન મોદીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, મારી વાત પાંચ “પ’’ પર ખાસ મુદ્દા કહેવા માંગુ છું જેમાં “પર્યટન, પર્યાવરણ, પાણી, પશુધન, પોષણ’’ અંગે મહત્ત્વની વાત અંગે કહ્યું કે દુનિયામાં પર્યટન ઉદ્યોગ ખૂબ તેજ ગતીથી ફલતો ફુલતો ઉદ્યોગ છે. દુનિયા એટલી નાની થઈ ગઈ છે કે લોકો એક છેડેથી બીજા છેડે જવા આતુર છે આતો કોરોના આવ્યો એટલે બધુ અટકી ગયું. બનાસકાંઠાના રણને આપણે તોરણ બનાવી દીધુ ત્યાં વિકાસની બહુ સંભાવના છે.
વડાપ્રધાને કહ્યું કે, ગુજરાત આવનાર દિવસમાં ગ્રીન હાઈડ્રોજનનું હબ બનવાનું છે. પેટ્રોલ ડિઝલથી ચાલતી કારો ગ્રીન હાઈડ્રોજનથી ચાલે તે દિશામાં કામ કરી રહ્યા છીએ. પશુપાલનમાં ઘણા કામ કરી રહ્યા છીએ જેમાં પહેલા દૂધના પૈસા મળતા હવે પશુઓના છાણ મૂત્રમાંથી આવક થાય તે માટે બાયોગેસ પર કામ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો, પશુપાલકોની આવક વધે તે દિશામાં કામ થઈ રહ્યું છે.
મોડાસા ખાતે જાહેર સભાના સંબોધતા કોંગ્રેસને આડે હાથે લઈને વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતને હંમેશા પછાત જ રાખ્યું છે. કોંગ્રેસનું કામ ભ્રષ્ટાચાર કરવાનું અને એકબીજાના ટાંટિયા ખેંચવાનું છે. ર0 વર્ષ પહેલા રસ્તાઓના ઠેકાણા ન હતા આજે ગામો ગામ રસ્તાઓ બનાવ્યા છે, ર0 વર્ષ પહેલા શૌચાલયની વ્યવસ્થાઓ ન હતી આજે ગુજરાતના ગામે ગામ શૌચાલય બનાવવાનું કામ કર્યું, ગુજરાતની મહિલાઓને ગેસના કનેક્શન આપી ધુમાડામાંથી મુક્તિ અપાવી, કુપોષણની સમસ્યાને દૂર કરવા પ્રયાસ કર્યો છે. આ બધા કામ કોંગ્રેસ કરી શકત પણ કામ કરવાની ઈચ્છા જ ન હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, હવે દિલ્હીના બજારમાં સાબરકાંઠા જિલ્લાની શાકભાજી પહોંચે છે, દિલ્હીના લોકો પહેલા ગુજરાતનું નમક ખાતા હતા, ગુજરાતના દૂધની ચા પીતા હતા હવે ગુજરાતની શાકભાજી ખાઈ મોટા થઈ રહ્યા છે આ કામ અરવલ્લી અને સાબરકાંઠાના જિલ્લા કરી રહ્યા છે.
દહેગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, હવે એ દિવસ દૂર નહીં હોય કે ગાંધીનગર અને દહેગામ ટ્વિન સિટી હશે, ગાંધીનગર અને કલોલ ટ્વિન સિટી હશે અને દહેગામ, કલોલ અને ગાંધીનગર આખા ગુજરાતની આર્થિક ગતી વિધીને મજબૂત કરનારું મોટું કેન્દ્ર બનશે. દિલ્હીમાં નરેન્દ્ર હોય અને ગાંધીનગરમાં ભૂપેન્દ્ર હોય ત્યારે ડબલ એન્જિન લાગ્યા હોય ત્યારે ગુજરાત વિકાસમાં આગળ જ આવે.
વધુમાં વડાપ્રધાને ગિફ્ટ સિટીના મહત્ત્વ વિશે જણાવ્યું હતું કે, ગીફટ સિટી દુનિયાનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. ગીફટ સિટીમાં અંદાજે ર લાખ લોકો કામ કરતા હશે તે બધા રહેલા કલોલ આવે કે દહેગામ આવશે. હું દિલ્લીમાં બેઠો હોઉ અને મારા ગુજરાતીઓના આશીર્વાદ મળે તો વિકાસના કામ ઝડપથી જ થાય કે ન થાય ?
દહેગામ પાસે રાષ્ટ્રીય રક્ષા શક્તિ બનવામાં આવી છે તે દહેગામ-ગાંધીનગર તેમજ ગુજરાતનું ગૌરવ બનશે.
બાવળા ખાતે જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું બાવળા આવ્યો હોઉં અને લીલાબાના દર્શન ન થાય તે મારા જીવનની પહેલી ઘટના હશે. તેમણે છેલ્લા 40 વર્ષથી સમાજ માટે તપસ્યા કરી અને જીવ્યા ત્યાં સુધી કરતા રહ્યા. ભાવુક સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું કે 104 વર્ષના માણેકબાએ અહીં આવીને આશીર્વાદ આપ્યા આ મારું સૌભાગ્ય છે કે લીલાબાની ખોટ ન પડે તે માટે 104 વર્ષની ઉંમરે અહીં આવીને આશીર્વાદ આપ્યા. માતાઓના આશિર્વાદ એ જ આપણી શક્તિ છે, એ જ પુંજી છે.

© 2022 Saurashtra Trust