જામા મસ્જિદમાં મહિલા પ્રવેશનો પ્રતિબંધ કલાકોમાં પાછો ખેંચાયો ભારે વાદ-વિવાદ વચ્ચે શાહી ઈમામનો યુ ટર્ન

જામા મસ્જિદમાં મહિલા પ્રવેશનો પ્રતિબંધ કલાકોમાં પાછો ખેંચાયો ભારે વાદ-વિવાદ વચ્ચે શાહી ઈમામનો યુ ટર્ન
નવી દિલ્હી, તા. ર4 : દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓના એકલા પ્રવેશ કરવા પર લાદવામાં આવેલો પ્રતિબંધ ભારે વાદ વિવાદ બાદ ગણતરીની કલાકોમાં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સકસેનાએ શાહી ઈમામ સૈયદ અહમદ બુખારી સાથે આ મામલે વાતચીત કર્યા બાદ શાહી ઈમામ દ્વારા પ્રતિબંધાત્મક આદેશ પાછો ખેંચવા નિર્ણય લેવાયો હતો. શાહી ઈમામે નિર્ણય પાછો લેતાં અપીલ કરી કે મસ્જિદની પવિત્રતા જળવાવી જોઈએ. આ પહેલા પ્રતિબંધ વિરુદ્ધ મહિલા આયોગે મસ્જિદના ઈમામને નોટિસ જારી કરી હતી. મોડેથી ઉપરાજ્યપાલે દરમિયાનગીરી કરતા વિવાદ ઉકેલાયો હતો.
વિવાદ ત્યારે સર્જાયો જ્યારે જામા મસ્જિદના ત્રણેય પ્રવેશ દ્વાર પર નોટિસ લગાવી લખવામાં આવ્યુ કે જામા મસ્જિદમાં યુવતી કે યુવતીઓના એકલા પ્રવેશની મનાઈ છે. શાહી ઈમામએ કહ્યું કે, એવી ફરિયાદો મળી રહી હતી કે યુવતીઓ પોતાના પ્રેમી સાથે મસ્જિદમાં આવે છે. આ કારણે યુવતીઓના મસ્જિદમાં એકલા આવવા પર પ્રતિબંધ મૂકાયો છે. જો કોઈ મહિલા જામા મસ્જિદ આવવા ઈચ્છે છે તો તેની સાથે તેનો પરિવાર અથવા પતિ હોવો જરૂરી છે. જો કે નમાઝ પઢવા આવનારી મહિલાઓને કોઈ રોકટોક નથી. મસ્જિદના પીઆરઓ સબીઉલ્લાહ ખાને જણાવ્યું હતું કે જે યુવતીઓ અહીં એકલી આવે છે તે યુવકોને ટાઈમ આપે છે, અહીં તેઓ મળી અયોગ્ય હરકતો કરે છે, વીડિયો બનાવે છે, આવુ રોકવા માટે યુવતીના એકલા પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. તમે પરિવાર સાથે આવો કોઈ પ્રતિબંધ નથી.
 

© 2022 Saurashtra Trust