વડોદરા પાસે બોલેરો પીકઅપ વાહને જૈન સાધ્વીનો જીવ લીધો

(ફૂલછાબ ન્યુઝ)
વડોદરા, તા. 24: વડોદરા નજીક કરજણ-પાલેજ રોડ પર દેથાણ ગામ પાસે વહેલી સવારે 6.30 વાગ્યે બોલેરો પીકઅપ વાનની અડફેટે ચડી જવાથી 25 વર્ષના યુવાન જૈન સાધ્વી પર્વદિરત્નાશ્રીજીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જૈન સમાજમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવ અંગે કરજણ પોલીસે વાહન ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આચાર્ય ઉદયરત્નસૂરિશ્વરજી ઉપરાંત પાંચ સાધુ ભગવંતો અને 3 સાધ્વીજી વડોદરા આવવા માટે પાલેજથી વહેલી સવારે 6.30 વાગ્યે પગપાળા વિહારનો પ્રારંભ કર્યો હતો. હાઇ-વે પર વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીજીઓને વાહન ચાલકો નિશાન બનાવીને જીવલેણ અકસ્માત કરતા હોવાના અનેક બનાવોના કારણે જૈન સંઘના યુવાનો વિહાર સેવકો તરીકે તેમની સાથે રહે છે. ઉપરાંત, પોલીસ સુરક્ષા મળે છે એટલે આચાર્ય ઉદયરત્નસૂરિશ્વરજી મહારાજના સંઘ સાથે કરજણના વિહાર સંઘના પાંચ યુવકો અને પોલીસ વાન પણ સાથે હતા. 
આ દરમિયાન દેથાણ ગામ નજીક વસંત વિહાર જૈન દેરાસર પાસે આચાર્ય મહારાજ સહિતના સાધુ ભગવંતો પાછળ આવી રહેલા સાધ્વીજી મહારાજની રાહ જોવા માટે થોડો સમય ઉભા રહ્યા હતા તે સમયે ભરૂચ તરફથી એક બોલેરો પીકઅપ વાને હાઇ-વેથી બે ફૂટ દૂર કાચી જમીન પર પગપાળા ચાલી રહેલા સાધ્વીજી પર્વાદિરત્નાશ્રીજી મહારાજ સાહેબ (ઉં.વ.25)ને ટક્કર મારી હતી. આ ટક્કરથી સાધ્વીજી ઉછળી પડયા હતા અને ગંભીર ઇજાઓ થતાં તેઓને તુરંત કરજણની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં, જ્યાં તેઓને સારવાર મળે તે પહેલા જ કાળધર્મ પામ્યાં હતાં. 

© 2022 Saurashtra Trust