અમરેલી અને ગોંડલમાં રીસેપ્શનમાં ગયેલા પરિવારના 21.34 લાખના દાગીનાની ચોરી

અમરેલીમાં વલસાડ પંથકના પરિવારની 18.78 લાખની મતા ગઇ: ગોંડલમાં પાડોશીઓએ અઢી લાખની ચોરી કરી’તી
(ફૂલછાબ ન્યુઝ)
અમરેલી/ગોંડલ, તા. 24: અમરેલી અને ગોંડલમાં લગ્નના રીસેપ્શનમાં ગયેલા પરિવારોના રૂ. 21.34 લાખના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. અમરેલીમાં વલસાડના ઉમરગાંવના સરી ગામના પરિવારના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. તો ગોંડલમાં વેપારીના મકાનમાં પાડોશીઓએ રૂ. 2.56 લાખની ચોરી કરી હતી.
વલસાડના ઉમરગાંવ તાલુકાનાં સરી ગામનાં નઝમાબહેન ઉંમરભાઇ માલવિયા અને તેમના પરિવારજનો તા. 19મીએ તેમની નણંદના દેરાણી યાસ્મીનબહેન અલ્તાફભાઇ મહીડાના દીકરાના લગ્ન પ્રસંગે અમરેલી આવ્યા હતા. ગઈરાતના આ લગ્ન પ્રસંગ નિમિત્તે ફતેપુર રોડ પર આવેલા નંદનવન પાર્ટી પ્લોટમાં રીસેપ્શન રાખવામાં આવ્યું હતું. આથી નઝમાબહેન સહિતના પરિવારજનો સાંજના સાતેક વાગ્યાના સુમારે મકાનને તાળા મારીને રીસેપ્શનમાં ગયા હતાં. રાતના સવા બાર વાગ્યાના સુમારે પરત આવ્યા હતા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું ખોલીને અંદર ગયા હતા. અંદરના રૂમને મારેલું તાળું જોવા મળ્યું ન હતું અને ત્યાં રાખેલા થેલા વેરવિખેર પડયા હતા અને કબાટના લોકરમાં રાખેલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી થયાનું જણાયું હતું. તસ્કરો છ તોલા વજનનો સેટ, પાંચ તોલનો ચેઇન, પાંચ તોલાની બંગડી, ત્રણ તોલાના પાટલા, બૂટી, દેરાણીનો પાંચ તોલાનો સોનાનો સેટ, બીજો ત્રણ તોલાનો સેટ, બે તોલાનો પેન્ડલ સેટ, વીંટી અને રૂ.73 હજારની રોકડ રકમ મળી કુલ રૂ. 18.78 લાખની મતાની ચોરી થઈ હતી. આ અંગે નઝમાબહેન માલવિયાએ નોંધાવેલી ફરિયાદ પરથી મહિલા પીએસઆઇ આઇ.એન. ગોવાલિયાએ તપાસ હાથ ધરી હતી.
ગોંડલની ઘટના: અહીંની ગુંદાળા શેરીમાં રહેતાં અને દેવપરામાં મુન્ના ગારમેન્ટનાં નામે દુકાન ધરાવતા  તોફીકભાઇ મજીદભાઇ શૈલી અને તેમના પરિવારજનો તેમના પુત્રના લગ્નના રીસેપ્શનમાં મેમણ સમાજની વાડીએ ગયા હતા. બાદમાં તેમના મકાનમાંથી રૂ. 1.86 લાખના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 2.56 લાખની મતાની ચોરી થઈ હતી. વેપારી તોફીકભાઈ વગેરે રીસેપ્શનમાં ગયા ત્યારે તેમના ઘર પાસે  પાડોશમાં રહેતા દાઉદ યાકુબભાઇ દયાળા, મહંમદહુશેન ખાલીદભાઇ દયાળા, સૌબાતેન શબ્બીરભાઇ મકરાણી અને યુમ અનિશભાઇ ડબ્બાવાલા હાજર હતા. આથી તેઓએ ચોરી કર્યાની શંકા ગઈ હતી. આ ચારેયને મેમણ સમાજની વાડીએ બોલાવીને સમાજના આગેવાનોની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ અને સમજાવટના અંતે દાઉદ દયાળા અને ત્રણ વ્યક્તિએ  સાથે મળી ચોરી કર્યાની કબૂલાત આપી હતી અને બે દિવસમાં ચોરીનો મુદ્દામાલ પરત આપી દેવાનું જણાવ્યું હતું પરંતુ બે દિવસ  બાદ પણ ચોરેલી વસ્તુઓ પરત નહીં આપતા વેપારી તોફિકભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

© 2022 Saurashtra Trust