વોરેન બફેટે ખજાનો ખોલ્યો : દાન કર્યા 6127 કરોડ રૂપિયા

વોરેન બફેટે ખજાનો ખોલ્યો : દાન કર્યા 6127 કરોડ રૂપિયા
પહેલી વખત બિલ ગેટ્સનાં ફાઉન્ડેશનને કોઈ દાન ન આપ્યું
નવી દિલ્હી, તા. 24: અબજપતિ રોકાણકાર વોરેન બફેટ દર વર્ષે ચેરિટી કરે છે. જો કે પહેલી વખત એવું બન્યું છે કે બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને વોરેન બફેટે કોઈ ડોનેશન આપ્યું નથી. જાણકારી અનુસાર વોરેન બફેટે બર્કશાયર હેથવેના 75 કરોડ ડોલર (6127 કરોડ રૂપિયા)થી વધુની કિંમતના શેર ચાર સંસ્થાને દાન આપ્યા છે. આ ચારેય સંસ્થા બફેટના પરિવારની છે. આ ખુલાસો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપવામાં આવેલી જાણકારી સંબંધિત છે.
એક્સચેન્જ ફાઇલિંગ મુજબ બફેટે સુસાન થાપ્સન બફેટ ફાઉન્ડેશનને 15 લાખ ક્લાસ બી શેર આપ્યા છે. આ સંસ્થા વોરેન બફેટનાં નામે છે. આ ઉપરાંત ત્રણ અન્ય સંસ્થા શેરવૂડ ફાઉન્ડેશન, ધ હોવર્ડ જી બફેટ ફાઉન્ડેશન અને નોવો ફાઉન્ડેશનને ત્રણ લાખ ક્લાસ બી શેર આપ્યા છે. આ ત્રણેય સંસ્થા વોરેન બફેટનાં બાળકો ચલાવે છે. જો કે આ વખતે ગેટ્સ ફાઉન્ડેશનનાં નામે કોઈપણ દાન આપવામાં આવ્યું નથી. અગાઉ જૂન મહિનામા 1.1 કરોડ ક્લાસ બી શેર ગેટસ ફાઉન્ડેશનને આપવામાં આવ્યા હતા.
સુસાન થામ્પસન બફેટ ફાઉન્ડેશન ગર્ભપાતના અધિકારોનું સમર્થક છે અને તેના માટે ખર્ચ કરે છે જ્યારે શેરવૂડ ફાઉન્ડેશન મારફતે બાળકોના પાયાના શિક્ષણ વગેરેમાં ખર્ચ કરવામાં આવે છે અને હોવર્ડ બફેટ પોતાના ફાઉન્ડેશનથી દુનિયમાં ભૂખમરો ઓછો કરવાનો પ્રયાસ કરે છે અને અભિયાન ચલાવે છે. ગરીબ દેશોમાં ખેડૂતોને વધારે પાક માટે મદદ કરવામાં આવે છે.

© 2022 Saurashtra Trust