ucc લાગુ કરવા ભાજપ પ્રતિબદ્ધ : અમિત શાહ

ucc લાગુ કરવા ભાજપ પ્રતિબદ્ધ : અમિત શાહ
ગૃહ મંત્રીએ કહ્યું, લોકતાંત્રિક ચર્ચાઓ અને દલીલો પૂરી થયા બાદ લેવામાં આવશે નિર્ણય
નવી દિલ્હી, તા. 24 : કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે, ભાજપ તમામ લોકતાંત્રિક ચર્ચા અને દલીલો પૂરી થયા બાદ દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે પૂછવામાં આવતા શાહે કહ્યું હતું કે, જન સંઘના દિવસથી જ ભાજપ દ્વારા  દેશના લોકોને આપવામાં આવેલું આ એક
વચન છે.
એક સંમેલનમાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, માત્ર ભાજપે જ નહીં પણ સંવિધાન સભાએ પણ સંસદ અને રાજ્યોને ઉચિત સમય આવતા યુસીસી લાગુ કરવાની સલાહ આપી હતી. કારણ કે કોઈપણ ધર્મનિરપેક્ષ દેશમાં કાયદાના ધર્મના આધારે હોવા જોઈએ નહીં. જો રાષ્ટ્ર અને રાજ્ય ધર્મનિરપેક્ષ છે તો કાયદો ધર્મના આધારે કેમ હોઇ શકે ? દરેક ધર્મના વ્યક્તિ માટે સંસદ અને રાજ્યની વિધાનસભાઓ દ્વારા પસાર એક જ કાયદો હોવો જોઈએ.
શાહે દાવો કર્યો હતો કે સમય વિતવાની સાથે જ સંવિધાન સભાની પ્રતિબદ્ધતાને ભૂલાવી દેવામાં આવી હતી. ભાજપને છોડીને કોઈપણ દળ સમાન નાગરિક સંહિતાના સમર્થનમાં નથી. એક લોકતંત્રમાં સ્વસ્થ ચર્ચા જરૂરી છે. આ મુદ્દે જાહેર ચર્ચા કરવાની જરૂર છે. ગૃહ મંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, ભાજપ શાસિત ત્રણ રાજ્ય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ ન્યાયાલયના સેવાનિવૃત્ત ન્યાયાધીશોની અધ્યક્ષતામાં એક પેનલ બનાવવામાં આવી છે. જેની સામે અલગ અલગ ધર્મોના લોકો પોતાના મત રજૂ કરી રહ્યા છે.

© 2022 Saurashtra Trust