પુલવામા હુમલામાં કનેક્શન ધરાવતા મુનિરને પાક. સેનાની કમાન

પુલવામા હુમલામાં કનેક્શન ધરાવતા મુનિરને પાક. સેનાની કમાન
શહબાઝ શરીફની સરકારે લીધો નિર્ણય : પુલવામા હુમલા વખતે મુનિર પાસે હતી આઇએસઆઇની બાગડોર
ઈસ્લામાબાદ, તા. 24: પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ગુરુવારે લેફટનન્ટ જનરલ આસિમ મુનિરને દેશના નવા આર્મી ચીફ નિયુક્ત કર્યા છે. મુનિર જનરલ કમર જાવેદ બાજવાની જગ્યા લેશે. આ ઉપરાંત લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાને ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાનના નવા આર્મી ચીફ મુનિરનું 2019માં થયેલા પુલવામા હુમલા સાથે પણ કનેક્શન છે. પુલવામા હુમલામાં ભારતના 40 જવાન શહીદ થયા હતા.
પાકિસ્તાનના નવા આર્મી ચીફ મુનિર પુલવામા હુમલા સમયે આઇએસઆઇના પ્રમુખ હતા. પુલવામામાં થયેલા હુમલા પાછળ આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનો હાથ હતો. પાકિસ્તાની સેના અને આઇએસઆઇ ઉપર સતત આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ લાગે છે. તેવામાં હવે પાડોશી દેશ પાકિસ્તાને એવા શખસને આર્મી ચીફ બનાવ્યો છે જે પુલવામા હુમલા દરમિયાન આઇએસઆઇની કમાન સંભાળતો હતો. આ જ કારણથી પાકિસ્તાનમાં થઈ રહેલી તમામ હિલચાલ ઉપર ભારતની ચાંપતી નજર છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે મુનિરે પાકિસ્તાનમાં ઘણા નિર્ણયો કર્યા  હતા. જો કે ટૂંકા ગાળા બાદ આઇએસઆઇના પ્રમુખ પદેથી મુનિરને હટાવી દેવામાં આવ્યા હતા. કહેવાય છે કે ઈમરાન ખાન અને મુનિર વચ્ચેના સંબંધો સારા નહોતા. તેવામાં મુનિરની નિયુક્તી પણ ઈમરાન ખાનને આપવામાં આવેલા ઝટકા તરીકે જોવામાં આવી રહી છે. રિપોર્ટ પ્રમાણે 2017ની શરૂઆતમાં ડીજી મિલિટ્રી ઇન્ટેલિજન્સ અને ત્યારપછીનાં વર્ષમાં આઇએસઆઇની કમાન સોંપવામાં આવી હતી.
 

© 2022 Saurashtra Trust