સુરતમાં રૂ. 75 લાખ રોકડ સાથે બે ઝડપાયા આવક વેરાવિભાગે પણ તપાસ હાથ ધરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત, તા. 23: વિધાન સભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાંથી જદાખાડી ખાતેથી ગઇરાતે  સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા રૂ. 75 લાખની રોકડ રકમ સાથે દિલ્હી અને સુરતના બે શખસ ઝડપી લેવાયા હતાં જ્યારે એક શખસ નાસી ગયો હતો. આ રોકડ અંગે આવકવેરા વિભાગે પણ તપાસ શરૂ કરી છે.
સ્ટેટેસ્ટિક  ટીમ દ્વારા  ચાકિંગ દરમિયાન એક મહારાષ્ટ્ર પાસિંગ વાળી ઈનોવા કાર અટકાવવામાં આવી હતી. તેની તલાશી લેતા માંથી રોકડા રૂ. 75 લાખ મળી આવ્યા હતાં.   ઈનોવા કારમાં ત્રણ વ્યકતિઓ સવાર હતા જે પૈકી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે  એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં ગાડીમાંથી કોંગ્રેસ પાર્ટીના વીવીઆઈપી પાર્કિંગના પાસ મળી આવ્યા હતા. ઝડપાયેલા બન્ને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી હતી અને આયકર વિભાગને જાણ કરતા આજે સવારથી આયકર વિભાગના અધિકારીઓ દ્વારા પણ તપાસ આદરી હોવાનું જાણવા મળેલ છે. જેથી આગામી સમયમાં આ રકમને સંદર્ભે મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસે આ ઘટનાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યાનું કહ્યું હતું.  
            સ્ટેટેસ્ટિક ટીમે ઝડપી પાડેલા બે આરોપીઓ પૈકીનો એક નવી દિલ્હી ખાતે રહેતો ઉદય ગુર્જર અને બીજો સુરતનો મહમ્મદ ફૈજ હોવાનું જાણવા મળ્યુ છે જ્યારે ટીમને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહેલો મૂળ કર્ણાટકનો સંદીપ નામનો વ્યક્તિ હોવાનો ખુલાસો કર્યો હતો. મોડી રાત્રીથી આ ઈસમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સુરતની આંગડિયા પૈઢીમાંથી આ રોકડ રકમ મેળવી હોવાનું પણ બહાર આવ્યું હતું. મહારાષ્ટ્રથી આ રોકડ રકમ સુરત ખાતે એક આંગડિયા પેઢી મારફત આવી હોવાનું બહાર આવતા આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
કારમાંથી કોંગ્રેસ પાર્ટીનું સાહિત્ય અને વીવીઆઇપી પાસ મળી આવ્યા હોવાથી કોંગ્રેસના કોઇ નેતાની સંડોવણી છે કે કેમ? તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, કોંગ્રેસે આ ઘટનાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવીને તંત્રનો  દુરુપયોગ થઇ રહ્યાનું કહ્યું હતું. આગામી દિવસોમાં તપાસના અંતે રોકડ રકમની હેરફેર કરનારાઓના નામે સામે આવ્યા બાદ જ સત્ય બહાર આવશે તેમ જણાવાય છે.

© 2022 Saurashtra Trust