સુરતની એક કોલેજમાં લવજેહાદનાં નામે બે યુવકને માર મારવાનો વીડિયો વાયરલ

(અમારા પ્રતિનિધિ તરફથી) 
સુરત, તા. 23: શહેરની એક ખાનગી કોલેજમાં આજે લવ જેહાદનાં નામે બે યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કોલેજ કેમ્પસમાં બે યુવકને 10થી 15 યુવક દ્વારા ઢોર માર મારીને રોડ સુધી ઢસડી જતાં હોવાના બે અલગ અલગ વીડિયો વાયરલ થયા હતા. બીજી તરફ કોલેજમાં જ બે ગ્રુપ વચ્ચે પણ મારામારી થઈ હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. 
આજે સવારે શહેરના વેસુ ખાતે આવેલ ભગવાન મહાવીર કોલેજમાં વિધર્મી યુવકોને ગડદા પાટુનો માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો બહાર વાયરલ થયો હતો. કોલેજ કેમ્પસમાં ઘૂસેલા આ બન્ને યુવક વિધર્મી હોવાની સાથે સાથે લવ જેહાદ સાથે આખેઆખું પ્રકરણ સાંકળીને આ વીડિયો વાયરલ કરવામાં આવતા શૈક્ષણિક જગતમાં આ પ્રકરણના પ્રત્યાઘાત સાંપડયા હતા. અલબત્ત, આ અંગે હજી સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જોકે બીજી તરફ કોલેજમાં બે ગ્રુપ વચ્ચે બોલાચાલીમાં હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે. 

© 2022 Saurashtra Trust