વડાપ્રધાન 28મીએ જામનગરમાં સભા ગજાવશે

2022માં વડાપ્રધાનની હાલારની ત્રીજી મુલાકાત: 2017ની ચૂંટણીમાં સાતમાંથી ચાર સીટ કોંગ્રેસને ફાળે ગઈ હતી
જામનગર તા.23 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પ્રથમ તબકકાના મતદાનને હવે સાત દિવસ કરતા પણ ઓછો સમય રહ્યો છે ત્યારે જામનગર જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.28 નવેમ્બર સોમવારના રોજ જામનગર આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2022માં આ તેમની ત્રીજી મુલાકાત છે. આ અગાઉ તેઓ ચૂંટણી જાહેર થયા પહેલા બે વખત આવી ચૂકયા છે. તા.28ના રોજ જામનગરના ભાગોળે આવેલા ગોરધનપરના પાટીયા પાસે ડબલ્યુએચઓના ગ્રાઉન્ડમાં સવારે 11-30 વાગ્યે જંગી જાહેર સભાને સંબોધન કરશે.
જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત કુલ સાત સીટોના ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવી રહયા છે ત્યારે બંને જિલ્લાના હોદેદારોની ટીમ સભામાં લોકોને જોડવા માટે કામે લાગી ગઈ છે અને ખાસ કરીને બંને જિલ્લાના પ્રમુખો, સાંસદ અને શહેર પ્રમુખો, બંને જિલ્લા પંચાયતના પ્રમુખો સહિતના હોદેદારોએ મિટીંગોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2017માં જામનગર જિલ્લા તેમજ દ્વારકા જિલ્લામાં ચાર સીટ કોંગ્રેસને ફાળે ગઈ હતી. જેનું પુનરાવર્તન ન થાય તે માટે બંને જિલ્લાના હોદેદારોએ કમ્મર કસી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્રીયગૃહ મંત્રી અમિત શાહની જામખંભાળીયા ખાતે સભા યોજાઈ હતી. જયાં સભામાં પાંખી નજર જણાઈ આવી હતી અને સ્કૂલની વિદ્યાર્થીનીઓ સભામાં ઉપસ્થિત હતી. જેની કેન્દ્રીયગૃહ મંત્રી દ્વારા ગંભીર નોંધ લેતા બીજા જ દિવસે  પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સરપ્રાઈઝ જામનગર આવ્યા હતા અને શહેર તથા જિલ્લા પ્રમુખની સાથે બંધ બારણે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી હતી અને તમામ પદાધિકારીઓને, કાર્યકરોને તાકિદ કરવામાં આવી હતી. સી.આર.પાટીલની મુલાકાત કેટલી ગંભીર હશે અને પરિસ્થિતિનો તેઓએ તાગ લીધો હશે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તા.28ના રોજ જાહેર સભા યોજવામાં આવેલ છે અને તે જોતા ભાજપ  હાલારની સાતેય બેઠકોને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ અને જીતવા માટે કમ્મર કસી હોવાનું જણાઈ આવે છે.

© 2022 Saurashtra Trust