મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનામાં હાઇકોર્ટમાં વકીલો રોકવાના ખર્ચના ઠરાવ પર સભ્યોએ સહી ન કરી

હવે ઇન્ચાર્જ ઓફિસરના વલણ પર
સૌની નજર
મોરબી, તા. 23: મોરબી પુલ દુર્ઘટનામાં હાઇકોર્ટમાં સુઓમોટો પીટીશન દાખલ કરવામાં આવી હોય જેમાં વકીલો રોકી તેનો ખર્ચ ઉઠાવવા માટે નગરપાલિકામાં કરાયેલા સર્ક્યુલર ઠરાવ પર મોટાભાગના સભ્યોએ સહી કરી ન હતી.
ઝૂલતો પુલ દુર્ઘટના મામલે નગરપાલિકાના પક્ષે કેસ લડવા બે વકીલ રોકવાની જરૂરિયાત ઉભી થતા નગરપાલિકા પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સહી સાથે સર્ક્યુલર ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં સભ્યોની સહી માગવામાં આવી હતી જોકે શરૂઆતમાં અમુક સભ્યોએ સહી કર્યા બાદ હવે મોટાભાગના સભ્યો ઠરાવમાં સહી કરવા સહમત જોવા મળતા નથી અને મોટાભાગના સદસ્યોએ સહી કરી નથી તેવી માહિતી સૂત્રો આપી રહ્યા છે જેથી હવે પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું
હાલ તો સર્ક્યુલર પર સહી કરવાથી ચૂંટાયેલા સદસ્યો બચી રહયા છે ત્યારે બીજી તરફ હાઈકોર્ટમાં ચાલતી સુનાવણીને કારણે વકીલો રોકવા જરૂરી છે ત્યારે હવે ઇન્ચાર્જ ચીફ ઓફિસર પોતાને મળેલી સત્તાનો ઉપયોગ કરીને વકીલ રોકવાનો નિર્ણય કરે છે કે પછી અન્ય કોઈ રસ્તો કાઢવામાં આવે છે તે જોવાનુ રહે છે.
પુલ હોનારતમાં પકડાયેલા
આઠની જામીન અરજી નામંજૂર
135 નિર્દોષ લોકોનો ભોગ લેનારી કાળમુખી મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં પકડાયેલા ઓરેવા કંપનીના મેનેજર સહિત આઠની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી.
પુલ હોનારતમાં પોલીસે ઓરવા કંપનીના મેનેજર દીપક નવીનચંદ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર, મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલાસિંગભાઈ ચૌહાણ સહિત નવની ધરપકડ કરી હતી. તે પૈકી આ આઠ શખસે  જામીન માટે અરજી કરી હતી. આ આઠ આરોપીની જામીન અરજી અંગે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરી આ ગંભીર દુર્ઘટના જોતા તમામ આરોપીઓની જામીન અરજી ના મંજૂર કરી હતી.

© 2022 Saurashtra Trust