છારોડી પાસે ગોઝારો અકસ્માત: ચારનાં મૃત્યુ

            બંધ ટ્રકની પાછળ તુફાન જીપ ઘૂસી જતાં બનેલી ઘટના: ચારને ઇજા
વઢવાણ, તા. 23: સાણંદનાં છારોડી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંધ ટ્રકની પાછળ તુફાન જીપ ઘૂસી જતાં ચાર વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં જ્યારે ચારને ઇજા થઈ હતી. મૃતકમાં લખતર, વિરમગામ અને અમદાવાદનો લોકોનો સમાવેશ થાય છે.
છારોડી પાસેથી પૂરઝડપે પસાર થઈ રહેલી તુફાન જીપ આગળ બંધ હાલતમાં ઉભેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. તેનાં પગલે વાતાવરણ મરણચીસોથી ગાજી ઉઠયું હતું. આ ગોઝારી ઘટનામાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ, છારોડી પાસે ટ્રોઇકા ફાર્મા કંપનીનાં સ્ટાફને લઈ જતી તુફાનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આગળ બંધ પડેલી ટ્રક પાછળ તુફાન ઘુસાડી દીધી હતી. એથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં જ્યારે અન્ય 6 ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં બે ઈજાગ્રસ્તનાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યાં હતાં. અકસ્માતમાં વિરમગામના મહાદેવપુરાના 31 વર્ષના મોલાભાઇ દૂધાભાઇ પરમાર, અમદાવાદના બોડકદેવના શુભ સ્નેહા એપાર્ટમેન્ટના 35 વર્ષના વિસ્મિતભાઈ કિર્તિભાઈ મહેતા, ગોતાના 33 વર્ષના મહેશભાઈ રમેશચંદ્ર પટેલ, લખતરના જ્યોતિપુરાના 43 વર્ષના બાબુભાઈ વાલજીભાઈ પ્રજાપતિનાં મૃત્યુ નીપજ્યાં હતાં જ્યારે અમદાવાદના ચાંદલોડિયાના  29 વર્ષના અંકિતભાઈ બાબુભાઈ પ્રજાપતિ, રાણીપના 30 વર્ષના રાહુલકુમાર દયારામભાઈ પટેલ, બોપલના 25 વર્ષના શ્રેયસ ધનંજય તરાડે અને 27 વર્ષના સ્વેશ રંજન મહાકુલને ઇજા થઈ હતી. આ  બનાવની જાણ સાણંદ જીઆઇડીસી પોલીસને થતા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

© 2022 Saurashtra Trust