કેરળમાં ‘પાયલટવાળી’ કરશે થરૂર ?

કેરળમાં ‘પાયલટવાળી’ કરશે થરૂર ?
4 દિવસીય યાત્રા બાદ જૂથવાદની અટકળો, નેતાગીરી ચિંતિત
 
નવી દિલ્હી, તા.ર3 : કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાનમાં ગેહલોત વિરુદ્ધ પાયલટનું કોકડું હજુ ઉકેલાયું નથી ત્યાં કેરળમાં શશી થરૂર પાયલટવાળી કરે તેવી અટકળો ઉઠતાં નેતાગીરીની ચિંતા વધી છે. વાદ-વિવાદ અંગે થરૂરે પ્રતિક્રિયા આપી કે અમારો કોઈ જૂથ બનાવવાનો ઈરાદો નથી અને ન તો તેમાં અમોને રસ છે. કોંગ્રેસ પહેલેથી જ એ અને આઇમાં વહેંચાયેલી છે. હવે ઓ અને વીને જોડવાની જરૂર નથી.
રાજકીય ચકચાર મુજબ, કેરળમાં થિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશી થરૂરની સક્રિયતા વધી છે. દક્ષિણ ભારતના આ રાજયમાં કોંગ્રેસ માટે ‘થરૂર જૂથ’નો પડકાર ઉભો થયો છે. હાલત એવી છે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી થરૂરને પ્રદેશ કમિટીની વાત માનવા સલાહ આપવી પડી છે. તાજેતરમાં થરૂર ચાર દિવસની કેરળ યાત્રાએ હતા. પોતાના મત ક્ષેત્ર બહાર પહેલીવાર તેઓ મુલાકાતે નીકળતા પ્રદેશ નેતાગીરીમાં સળવળાટ ઉઠયો છે. યૂથ કોંગ્રેસના એક કાર્યક્રમમાંથી થરૂરનાં સત્રની બાદબાકી કરવામાં આવી હતી. કેરળમાં થરૂરના સમર્થકોને થરૂર જૂથની ઉપમા આપવામાં આવી રહી છે. કેરળમાં મુખ્યમંત્રી પદ પર નજર રાખીને બેઠેલા આગેવાનોની ચિંતા થરૂરની સક્રિયતાને કારણે વધી છે.
 

© 2022 Saurashtra Trust