યુરોપે રશિયાને જાહેર કર્યો ‘આતંક પ્રાયોજક દેશ’

યુરોપે રશિયાને જાહેર કર્યો ‘આતંક પ્રાયોજક દેશ’
યુરોપીય સંઘની સંસદમાં પ્રસ્તાવ પસાર: રશિયા ઉપર યુક્રેની નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ
 
બ્રુસેલ્સ, તા. 23 : યુરોપીય સંઘની સંસદે બુધવારે એક ઐતિહાસિક કદમ ઉઠાવતા રશિયાને ‘આતંકવાદને પ્રોત્સાહન આપતો દેશ’ ઘોષિત કર્યું છે. યુરોપીય સાંસદોએ રશિયાને આતંકવાદ પ્રાયોજક દેશ બતાવનારા પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું હતું. આ સાથે જ યુરોપીયન સંઘના નેતાઓએ કહ્યું હતું કે, ઊર્જાના પાયાના માળખા, હોસ્પિટલ, શાળા અને આશ્રય સ્થાન જેવા નાગરિક લક્ષ્યો ઉપર મોસ્કોના સૈન્ય હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરે છે.
જો કે યુરોપીયન સંસદ દ્વારા આ કદમ ઘણા અંશે માત્ર પ્રતિકાત્મક છે. કારણ કે તેની અમલવારી માટે કોઈપણ કાયદાકીય માળખું નથી. સંઘે પહેલા યુક્રેન ઉપર પોતાના આક્રમણને લઈને રશિયા ઉપર અભૂતપૂર્વ પ્રતિબંધો લાદ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકા અને અન્ય દેશોને આગ્રહ કર્યો હતો કે રશિયાને આતંકવાદને પ્રોત્સાહન આપતો દેશ જાહેર કરવામાં આવશે. ઝેલેન્સ્કીએ રશિયાની સેના દ્વારા યુક્રેનના નાગરિકોને નિશાન બનાવવામાં આવતા હોવાનો આરોપ મૂક્યો હતો. જેને રશિયા દ્વારા નકારવામાં આવ્યો હતો. અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકને સંસદના બન્ને સદનમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ હોવા છતાં પણ તેને આતંક પ્રાયોજક દેશ જાહેર કરવાનો ઈનકાર કરી દીધો છે.
 

© 2022 Saurashtra Trust