ભાજપમાં ‘વ્યક્તિનું’ મેરિટ અને કોંગ્રેસમાં ‘પરિવારવાદ’ ચાલે છે : અમિત શાહ

ભાજપમાં ‘વ્યક્તિનું’ મેરિટ અને કોંગ્રેસમાં ‘પરિવારવાદ’ ચાલે છે : અમિત શાહ
સરદારના નામને ભૂંસવા કોંગ્રેસે કોઈ કસર છોડી નથી : બારડોલીની સભામાં શાહ કોંગ્રેસ ઉપર વરસ્યા
જસદણ એ સભાનું સ્થળ નથી પરંતુ કુંવરજી બાવળિયાની ભૂમિ છે : ગૃહમંત્રી
સુરત, તા.23: (ફૂલછાબ ન્યુઝ) વિધાનસભાની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે આજે વધુ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના કદાવર નેતા અમિત શાહની સભા બારડોલીમાં યોજાઈ હતી. બારડોલી સભામાં અમીત શાહ કોંગ્રેસ પર વરસ્યા હતા. તેમના આગવા અંદાજમાં શાહે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. ભાજપમાં વ્યક્તિના મેરિટને ધ્યાને લેવામાં આવે છે તો કોંગ્રેસમાં પરિવારવાદ ચાલે છે. કોંગ્રેસે સરદારના નામને ભૂંસવામાં કોઈ કસર છોડી નથી. સરદાર પટેલના સ્ટેચ્યુના સ્થળની મુલાકાત આજદીન સુધી એકેય કોંગ્રેસીઓએ લીધી નથી.
વંશવાદથી ચાલતી પાર્ટીથી દેશનું કદીય ભલુ થયું નથી. મતદારોને તેમણે ભાજપને પ્રચંડ જનમતથી જીતાડવાની અપીલ કરી હતી. કોંગ્રેસ પર આકરા પ્રહારની સાથે સુરત અને બારડોલી આજુબાજુના વિસ્તારમાં ભાજપ દ્વારા કરાયેલા વિકાસના કામોને તેમણે મતદારોને ગણાવ્યા હતા. સુરતના એરપોર્ટને વિકાસના કાર્યો ચાલી રહ્યા છે. સુરત એરપોર્ટ પર એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ છે. બહુ ઝડપથી વધુ દેશોને જોડતી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવીટી શરૂ થવાની હૈયાધારણ તેમણે મતદારોને આપી હતી.
જસદણ: જસદણ શહેરમાં આટકોટ રોડ બાયપાસ સર્કલ નજીક દેશના ગૃહ અને સહકાર મંત્રી યોજાઈ હતી. ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વિજય વિશ્વાસ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, જસદણએ સભાનું સ્થળ નથી પરંતુ જસદણ તો કુંવરજીભાઈ બાવળિયાના કાર્યની ભૂમિ છે. તમારો મત કુંવરજીભાઈ બાવળીયાએ વિધાયક બનાવવાનો નહીં પરંતુ ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવાનો મત છે. કોંગ્રેસના કામ બોલે છે તે અંગેના હોડિંગ અંગે જણાવ્યું હતું કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તો આ કામ ભાજપે કર્યા કે કોંગ્રેસે કર્યા. ગૃહ મંત્રી અમિતભાઈ શાહે સભાના અંતે તમામ જનતાને હાથ ઉંચા કરીને નરેન્દ્રભાઈની સાથે રહેવા, ભૂપેન્દ્રભાઈની સાથે રહેવા, વિકાસથી સાથે રહેવા અંતમાં જણાવ્યું હતું. આ પ્રસંગે રાજકોટનાં સંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બહુમતી સાથે ભાજપ સરકાર આવવાની નિશ્ચિત છે ત્યારે જસદણ વિસ્તારમાંથી ભાજપ સરકારમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં કયારેય ન મળી હોય એટલી બેઠક ભાજપને આપીને કમળના નિશાન ઉપર મતદાન કરવા અપીલ કરી હતી.

© 2022 Saurashtra Trust