ધોરાજીમાં પ્રેમ પ્રકરણમાં ભાઇના હાથે બહેનની હત્યા

ધોરાજીમાં પ્રેમ પ્રકરણમાં ભાઇના હાથે બહેનની હત્યા
પ્રેમ સંબંધ છોડી દેવાનો ઇનકાર કરતાં ભાઇએ છરીના ઘા મારીને બહેનને પતાવી દીધી: ધરપકડ
 ધોરાજી, તા. 23 : (ફૂલછાબ ન્યુઝ) અહીંના જૂનાગઢ રોડ પર  આંબાવાડી કોલોની ખાતે ભાઇના હાથે બહેનની હત્યા થયાનો બનાવ બન્યો હતો. બહેન યાસ્મીને પ્રેમસંબંધ છોડી દેવાનો ઇન્કાર કરતાં ઉશ્કેરાયેલા ભાઇ ફીરોઝે માતાની નજર સામે જ બહેનને છરીના ઘા મારીને હત્યા કરી હતી. પોલીસે ગણતરીની કલાકમાં ફીરોઝ રજાકભાઇ શાકરિયાણીની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ધોરાજીના જૂનાગઢ રોડ આંબાવાડી કોલોની ખાતે રહેતા રેહાના બેન રજાકભાઈ શાકરિયાણીએ  પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ તે તેમની પુત્રી યાસ્મીન અને પોતે ઘરમાં રસોઈ કરતા હતા એ સમયે અંદાજે રાત્રિના આઠ વાગ્યા આસપાસ તેમનો પુત્ર ફીરોઝ ઘરમાં આવ્યો હતો અને  તેમની બહેનને જણાવેલ કે તું  ફૈયાઝ સાથે પ્રેમ કરે છે તે તું પ્રેમ બંધ કરી દે, આ બાબતે ભાઈ-બહેન વચ્ચે બોલાચાલી થઇ હતી.  માતાની નજર સામે જ પુત્ર ફિરોઝે ઉશ્કેરાઈ જઇ બહેન યાસ્મીનને થપ્પડ મારી દીધી હતી. બાદ  નેફાના ભાગમાંથી છરી કાઢીને પેટમાં તેમજ પાછળના ભાગે છરી ના ઘા મારી દીધા હતાં. આથી  યાસ્મીન ઘરમાં જ ઢળી ગઈ હતી. તેને તાત્કાલિક  ઓટો રિક્ષામાં ખાનગી  હોસ્પિટલ ખાતે લઈ ગયા હતાં. ત્યાંથી ડોક્ટરોએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું જણાવ્યું હતું. ત્યાંથી ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા તબીબોએ મૃત જાહેર કરી હતી.
આ  બનાવવાની જાણ થતા પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધાસિંહ ગોહિલ તેમજ સ્ટાફને જાણ પહોંચી ગયો હતો અને લાશનું સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યું હતું. મરણ જનાર યાસ્મીનના માતાની  ફરિયાદના આધારે  ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં  રાત્રિના સમયે પોલીસે ફીરોઝની અટકાયત કરી લીધી હતી.

© 2022 Saurashtra Trust