પોસ્ટર યુદ્ધ નહીં, હવે પોસ્ટ વોર ખેલાય છે !

પોસ્ટર યુદ્ધ નહીં, હવે પોસ્ટ વોર ખેલાય છે !
જમીની પ્રચારની જેમ જ સોશિયલ મીડિયામાં ગંભીરતાથી થાય છે ચૂંટણી પ્રચાર ઈં ભાજપની પોસ્ટની સંખ્યા 72 ટકા, કોંગ્રેસની 40 ટકા અને આપની 50 ટકા જેટલી વધી ગઈ
રાજકોટ, તા.23: ચૂંટણીનો ગરમાવો જેટલો ગુજરાતનાં ગામેગામ વર્તાય છે એના કરતા વધુ સોશિયલ મીડિયામાં ગુંજી રહ્યો છે. અગાઉ જ્યારે સોશિયલ મીડિયા નહોતું કે તેનો વપરાશ આટલો નહોતો ત્યારે ચૂંટણી ટાણે પોસ્ટર યુદ્ધો છેડાતા. તેની સામે હવે સોશિયલ મીડિયામાં પોસ્ટ યુદ્ધ ખેલાય છે. છેલ્લાં એક અઠવાડિયામાં ગુજરાત ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઉપર પોસ્ટની સંખ્યામાં 72 ટકાનો વધારો થઈ ગયો છે. રવિવારે તો સરેરાશ 12 મિનિટના અંતરે એક પોસ્ટ આવી હતી અને તેની સંખ્યા 112 પોસ્ટ જેટલી રહી હતી. એ દિવસે ભાજપે ફેસબૂક પેઇજ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાષણ સહિત કુલ 36 વીડિયો અપલોડ કર્યા હતા.
સોશિયલ મીડિયાનાં માધ્યમથી આવી રીતે જનસંપર્ક વધારવાના પ્રયાસ કરવામાં કોંગ્રેસે પણ જોર વધારવા માંડયું છે. કોંગ્રેસની પોસ્ટની સંખ્યા એક સપ્તાહમાં 40 ટકા અને આમઆદમી પાર્ટીની પોસ્ટની સંખ્યામાં પ0 ટકાનો વધારો થઈ ગયો છે. રાજ્યમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનાં મતદાન આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે અને પ્રચાર પણ જાણે અંતિમ તબક્કામાં હોય તેમ પરાકાષ્ઠા ઉપર પહોંચવા લાગ્યો છે.
યુવાન અને ટેક્નોસાવી મતદારોને આકર્ષવા માટે રાજકીયણ પક્ષો દ્વારા ટ્વિટર, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ જેવા લોકપ્રિય સોશિયલ મીડિયાનો ઉપયોગ મહત્તમ કરવામાં આવે છે. જેનું વિશ્લેષણ કરતા ધ્યાને આવે છે કે, પ્રાદેશિક નેતાઓ દ્વારા પક્ષના અધિકૃત એકાઉન્ટમાંથી થતી પોસ્ટને રિટ્વિટ કે શેર વધુ કરવામાં આવે છે.
ટ્વિટર ઉપર ભાજપ દ્વારા પોતાના શાસનમાં થયેલાં કામોના આંકડાઓ આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સામે છેડે કોંગ્રેસ ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા મુદ્દાના આક્ષેપોનો મારો ચલાવી રહ્યો છે. તો આમઆદમી પાર્ટી રાજ્યમાં સત્તા પરિવર્તનની આવશ્યકતા દર્શાવતી પોસ્ટ વધુ કરે છે.
સત્યેન્દ્ર જૈનનો જેલમાં શરીર માલિશનો વીડિયો ફૂટયો ત્યારે ભાજપ અને કોંગ્રેસ, બન્ને દ્વારા આપ ઉપર તડાપીટ બોલાવવામાં આવી હતી જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે કોંગ્રેસ અને આપ બન્ને દ્વારા ભાજપ ઉપર આક્રમણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પંજાબ અને રાજસ્થાન જેવાં અન્ય રાજ્યોનાં દાખલા ટાંકીને તેનાં જેવી યોજનાઓ અને કામો કરવાની ખાતરીઓ પણ આ બન્ને પક્ષો આપી રહ્યાં છે.
વર્ષ 2017ની તુલનામાં સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવતી સામગ્રી પણ વધુ પરિપક્વ થયેલી દેખાય છે. પક્ષના આઇટી સેલ વિરોધીઓની ઝુંબેશ ઉપર ચાંપતી નજર રાખે છે અને સત્વરે પ્રતિક્રિયા કે પ્રત્યાઘાત આપવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે.
ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપ દ્વારા થતી મોટાભાગની પોસ્ટમાં નરેન્દ્ર મોદી જ જોવા મળે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં હવે ઝુકાવ્યું છે તેથી અત્યાર સુધી પ્રમાણમાં તેમને લગતી સામગ્રી કોંગ્રેસે ઓછી પોસ્ટ કરેલી હતી. કોંગ્રેસનો પ્રચાર સતત સરકારનાં કામોને ઉઘાડા પાડવા ઉપર કેન્દ્રિત દેખાય છે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રચાર માટે સાતત્ય સાથે સોશિયલ મીડિયામાં સક્રિય છે. તેઓ સતત ગુજરાતની જનતા પાસેથી એક મોકો માગી રહ્યા છે.
 

© 2022 Saurashtra Trust