મહેસાણાને ઈલેક્ટ્રિક વાહનોનું ‘હબ’ બનાવીને દુનિયા કબજે કરીશું : મોદી

મહેસાણાને ઈલેક્ટ્રિક વાહનોનું ‘હબ’ બનાવીને દુનિયા કબજે કરીશું : મોદી
60 વર્ષ સુધી રાજ કરવા છતાં કોંગ્રેસે આદિવાસીઓ માટે
કંઈ ન કર્યું : દહેગામની સભામાં વિપક્ષ ઉપર આક્રમક પ્રહારો
આજે પાલનપુર,મોડાસા, દહેગામ અને બાવળામાં વડાપ્રધાન  મોદી ચૂંટણીસભા ગજવશે
ભાવનગરની સભામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરીને ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું મરીન હેરીટેજ મ્યુઝિયમ બનશે તેવી વડાપ્રધાનની જાહેરાત
વડોદરા તો સયાજીરાવની નગરી છે અને હું એ શાળામાં ભણીને મોટો થયો છું : પીએમ
અમદાવાદ વડોદરા, ભાવનગર, તા.23: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહેસાણા, વડોદરા, દાહોદ અને ભાવનગરમાં જાહેર સભા યોજી હતી અને કોંગ્રેસ ઉપર આક્રમક પ્રહારો કર્યા હતાં.
મહેસાણા : મહેસાણાના રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે,મહેસાણાની આ માટીએ મને મોટો કર્યો છે, મારૂ ઘડતર કર્યું છે. મહેસાણા જિલ્લો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરે છે. આજે મહેસાણા વિશ્વફલક ઉપર સ્થાન પામ્યું છે. મહેસાણા જિલ્લાનો બેચરાજીનો પટ્ટો ઉદ્યોગનું હબ બન્યો છે. મહેસાણાથી ગાડીઓ જાપાન જાય છે. મહેસાણા ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન હબ બનશે એટલે દુનિયાનું બજાર કબજે કરીશું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 1930માં અંગ્રેજોએ મહેસાણાથી આબુ રોડ બનાવ્યો, 1930થી 100 વર્ષ સુધી મહેસાણાથી આબુરોડ તારંગા અંબાજી રેલવે લાઈનના કોઈને કાગળીયા ફાઈલ જોવાની નવરાશ ન મળી આ તમારો મહેસાણા જિલ્લાનો દીકરો ત્યાં બેઠોને એટલે મેં બધી શોધખોળ ચાલુ કરી. આ તમારા દીકરાએ મહેસાણાથી આબુ એક નવી રેલવે લાઈનનું કામ ચાલુ કર્યું. જે અંબાજી અને તારંગાને જોડશે. નવા એક વિકાસનું એક ક્ષેત્ર વિકસી જવાનું છે. સભામાં કોંગ્રેસ ઉપર આક્રમક પ્રહારો કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે પક્ષે ભૂતકાળમાં કેવી રીતે સરકાર ચલાવી તે સૌ કોઈ જાણે છે. કોંગ્રેસના મોડેલે ગુજરાતને બરબાદ કર્યુ છે.
ભાવનગર : ભાવનગરના ચિત્રા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસેના મેદાનમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જંગી સભા યોજાઈ હતી, સભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભાવનગર નજીકના ધોલેરા ખાતે વિશ્વનું સૌથી મોટુ મરીન હેરીટેજ મ્યુઝિયમ તેમજ ગ્રીન હાઈડ્રોજન કાઠિયાવાડમાં બનશે. વડાપ્રધાને પાલિતાણાના ટુરિઝમ વિકાસની પણ વાત કરી હતી. તેમણે ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતાં અને જણાવ્યું હતું કે, સ્કૂલમાં અભ્યાસ દરમિયાન તેમણે મહારાજા કૃષ્ણસિંહજીનો રોલ ભજવ્યો હતો. રાજકારણનો કક્કો પોતે ભાવનગરની ધરતીના સ્વ.હરિસિંહ ગોહિલ પાસેથી શીખ્યા હોવાનું જણાવ્યું હતું. 
તેમણે ઉમેર્યુ હતું કે, ભાવનગરનો વિકાસ થયો તેમાં વિશ્વ વિખ્યાત અલંગશીપ બ્રેકીંગ યાર્ડ, વ્હીકલ ક્રેપ યાર્ડ, કંટેનરનું ઉત્પાદન, નાના-મોટા ઉદ્યોગો જેના લીધે રોજગારીની તકો વધી છે. તેમણે ઉમેર્યુ હતું કે, વિશ્વનું સૌથી મોટુ સીએનજી ટર્મીનલ ભાવનગરમાં બનશે. વડાપ્રધાનની સભામાં કોળી સમાજના નેતા અને પૂર્વ મંત્રી પરસોતમ સોલંકીની હાજરી ચર્ચાનો વિષય બની હતી, અગાઉ મોદીની એક પણ સભામાં સોલંકી દેખાયાં ન હતાં. મોદીએ તેમની સાથે હાથ મિલાવી ખબરઅંતર પુછયાં હતાં. સભામાં જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડયા તેમજ બહોળી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 
વડોદરા : વડોદરાના નવલખી મેદાનમાં જંગી સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસની નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે. વડોદરા તો સયાજીરાવની નગરી છે અને હું સયાજીરાવે બનાવેલી શાળામાં ભણીને આવ્યો છું આજે વડોદરા ઉચ્ચ શિક્ષાનું હબ બની ગયું છે. છેલ્લા 20 વર્ષમાં અહીં ઉચ્ચ માધ્યમિક શાળાઓની સંખ્યામાં બે ગણો વધારો થયો છે. કોલેજો અને યુનિવર્સિટીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ડિગ્રી અને ડિપ્લોમાની 30 કોલેજો બની ગઈ છે. વડોદરામાં હવાઈજવાજ બનાવવાનું કારખાનું બનશે જેનું કામ ચાલી રહ્યું છે. 300 કરોડ કરતા વધુ મુડી રોકાણવાળી ડઝનેક કંપનીઓ આજે વડોદરામાં છે. તેમણે ઉમેર્યુ હતું કે આ ચૂંટણી ન તો નરેન્દ્ર મોદી કે, ન તો ભૂપેન્દ્ર પટેલ લડી રહ્યાં છે, આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે. કોંગ્રેસે વોટ બેન્કની ચિંતા કરી એટલે તિર્થયાત્રા માટે કંઈ ન વિચાર્યુ, પાવાગઢના શિખર ઉપર ધ્વજ ન હતો. 500 વર્ષ બાદ આ ધ્વજ ફરકાવાનો મોકો મને મળ્યો. આજે પાવાગઢ જતા લોકોમાં વધારો થયો છે.
દાહોદ : દોહાદની સભાને સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યુ પરંતુ આદિવાસીઓ માટે કઈ જ ન કર્યુ. પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરકાર હતી પરંતું ક્યારેય આદિવાસીઓની ચિંતા ન કરી. રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે જણાવ્યું હતું કે, એક ભાઈ પદયાત્રામાં નિકળ્યાં છે ત્યારે આદિવાસીઓની વાતો કરી રહ્યાં છે હું તેમને પુછુ છું કે, જ્યારે ભાજપે એક આદિવાસી મહિલાને દેશના રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે તમે ક્યાં હતાં ? વડાપ્રધાને ઉમેર્યુ હતું કે, હું આદિવાસી બહેનોના રોટલા ખાઈને મોટો થયો છું.મારા ઘડતર અને સંસ્કારમાં દાહોદનો મોટો ફાળો રહ્યો છે.દાહોદની ધરતી વીરોની ધરતી છે. અહીની દિકરીઓ નર્સીંગ ભણીને વિદેશ જઈ રહી છે ત્યારે આવો આપણે બધા ગોવિંદગુરુને સત સત નમન કરીએ.
વડાપ્રધાન મોદી આવતીકાલે તા.24 નવેમ્બરના રોજ સવારે 10 કલાકે પાલનપુર ખાતે બપોરે 12.15 કલાકે મોડાસા ખાતે, 1-45 કલાકે દહેગામ ખાતે તેમજ 3 વાગ્યે બાવળા ખાતે જનમેદનીને સંબોધશે.
-------------
મહિલા સુરક્ષાકર્મી
ચક્કર આવતા ઢળી પડતા મોદીએ ભાષણ અટકાવ્યું
અમદાવાદ,તા.23 : મહેસાણામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભામાં જ્યારે એક તરફ વડાપ્રધાનનું સંબોધન ચાલી રહ્યું હતું ત્યારે એક મહિલા સુરક્ષાકર્મીને ચક્કર આવતા તે ઢળી પડયાં હતાં. આ ઘટના બનતા જ વડાપ્રધાને પોતાનું ભાષણ અટકાવ્યુ હતું અને તેમણે સ્ટેજ પરથી મહિલાની સ્વાસ્થયની ચિંતા કરતા મહિલાને પાણી આપીને બેસાડવાની વાત કરી હતી. સ્ટેજ પરથી મોદી બોલ્યા હતા કે, ‘એમને પાણી વગેરે આપો ભાઈ, એમને બેસાડી દો રૂમમાં’ ત્યારે સભામાં સૌ કોઈનું ધ્યાન એ તરફ ગયુ હતું. આમ, ભરી સભામાં વડાપ્રધાને નારીશક્તિનું સન્માન કરતી અનોખી મિસાલ આપી હતી.

© 2022 Saurashtra Trust