ઘાના વિરુદ્ધના પોર્ટુગલના મેચમાં તમામની નજર રોનાલ્ડો પર

ઘાના વિરુદ્ધના પોર્ટુગલના મેચમાં તમામની નજર રોનાલ્ડો પર
દોહા, તા.23: પોર્ટુગલ અને ઘાના વચ્ચે ગુરુવારે અહીં રમાનાર ફીફા વર્લ્ડ કપના મેચમાં તમામની નજર સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર રહેશે. જે તેનો પાંચમો અને આખરી વિશ્વ કપ રમી રહ્યો છે. 37 વર્ષીય રોનાલ્ડોએ ગઈકાલે જ તેની ક્લબ માંચેસ્ટર યુનાઇટેડ સાથે વિવાદ બાદ છેડો ફાડયો છે. રોનાલ્ડો હવે કોઈ ક્લબનો ખેલાડી નથી. વિશ્વ કપનું તેનું પ્રદર્શન એ નક્કી કરશે કે તેના તાર કઇ ક્લબ સાથે જોડાશે. 117 આંતરારાષ્ટ્રીય ગોલ સાથે વિક્રમ ધરાવતો રોનાલ્ડો પોર્ટુગલનો તારણહાર બની રહેશે કે નહીં તેના પર વિશેષજ્ઞોની ખાસ નજર રહેશે.
પાંચ વખતનો સર્વશ્રેષ્ઠ ફૂટબોલર પસંદ થયેલ રોનાલ્ડોનો ચરમ સંભવત: સમાપ્ત થઈ ચૂક્યો છે. જો કે તે જ્યારે તેના અસલી રંગમાં હોય છે ત્યારે કોઈપણ ટીમ પર ભારે પડી શકે છે. રોનાલ્ડો હજુ સુધી વિશ્વ કપની ટ્રોફી જીતી શક્યો નથી. તેની પાસે આ ટ્રોફીને ચૂમવાનો આખરી મોકો છે. આથી તે કોઈ કસર છોડશે નહીં.
પોર્ટુગલ સામે ઘાનાની ટક્કર થવાની છે. તે વિશ્વ કપમાં ભાગ લઈ રહેલી સૌથી નીચી રેન્કિંગવાળી ટીમ છે. આમ છતાં તેને છૂપા રૂસ્તમ માનવામાં આવે છે. ઘાનાનો વિશ્વ ક્રમાંક 61 છે. આ ગ્રુપમાં બીજી બે ટીમ ઉરૂગ્વે અને દ. કોરિયા છે. ઘાનાની ટીમમાં થામસ પોર્ટ અને મોહમ્મદ કુદુસ જેવા સારા ખેલાડી છે. જે યુરોપીય ક્લબમાં સારો દેખાવ કરી ચૂક્યા છે.
 
રોનાલ્ડોએ માંચેસ્ટર યુનાઇટેડ સાથે છેડો ફાડયો
સ્ટાર અને સૌથી મોંઘા ગણાતા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આખરે માંચેસ્ટર યુનાઇટેડ છોડવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ ક્લબ અને રોનાલ્ડો વચ્ચે પાછલા કેટલાક સમયથી વિખવાદ ચરમ પર હતો. રોનાલ્ડોએ એક મુલાકાતમાં કહ્યંy હતું કે ક્લબ તેની સાથે વિશ્વાસઘાત કરી રહી છે. આથી વાત વણસી હતી. હવે બન્ને તરફથી એક સમજૂતી અનુસાર રોનાલ્ડોએ માંચેસ્ટર યુનાઇટેડ ક્લબ સાથેનો કરાર સમાપ્ત કર્યો છે. આ ક્લબ માટે રોનાલ્ડોએ 346 મેચમાં 14પ ગોલ કર્યા હતા. માંચેસ્ટર યુનાઇટેડ સાથે રોનાલ્ડોનો આ બીજો કાર્યકાળ હતો. જેનો અધવચ્ચે અંત આવ્યો છે. પાછલી સિઝનમાં રોનાલ્ડોએ ક્લબ વતી 24 ગોલ કર્યા હતા.
 

© 2022 Saurashtra Trust