ઉલટફેરનો સિલસિલો જર્મની સામે જાપાનનો 2-1થી વિજય

ઉલટફેરનો સિલસિલો જર્મની સામે જાપાનનો 2-1થી વિજય
ચાર વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ જર્મની સામે જાપાનનો ફૂટબોલ ઇતિહાસમાં પહેલો વિજય: બીજા હાફમાં 8 મિનિટની અંદર જાપાને 2 ગોલ કરી જર્મનીને આંચકો આપ્યો
 
કતાર, તા.23: ફૂટબોલ વર્લ્ડ કપમાં ઉલટફેરનો સિલસિલો ચાલુ રહ્યો છે. ચાર વખતની પૂર્વ ચેમ્યિપન જર્મનની ટીમનો આજે એશિયન ટીમ જાપાન સામે 1-2 ગોલથી પરાજય થયો છે. ગઇકાલે આર્જેન્ટિનાની ટીમને સાઉદી અરબની ટીમે આંચકો આપ્યો હતો, તો આજે જાપાને ખિતાબની પ્રબળ દાવેદાર ગણાતી ટીમ જર્મનની ટીમને જમીનદોસ્ત કરી છે. જાપાને આ જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. તેનો ફૂટબોલ વર્લ્ડ કપમાં જર્મની સામે પહેલીવાર વિજય થયો છે.
આજના મેચમાં પહેલો હાફ જર્મનીના નામે રહ્યો હતો, પણ બીજા હાફમાં જાપાનની ટીમે શાનદાર વાપસી કરીને જર્મન ટીમ પર વર્ચસ્વ જમાવ્યું હતું અને 8 મિનિટની અંદર બે ગોલ કરીને ઐતિહાસિક જીત મેળવી હતી. ફીફા ક્રમાંકમાં જર્મનીની ટીમ હાલ 11મા ક્રમે અને જાપાનની ટીમ 24મા નંબર પર છે. મેચનો પહેલો ગોલ જર્મની તરફથી ઇલ્કે ગુંડોગને પેનલ્ટીથી 33મી મિનિટે કર્યો હતો. બીજા હાફમાં જાપાને આક્રમક રમત રમીને 7પમી મિનિટે રિત્સુ દોને બરાબરીનો ગોલ કર્યો હતો. આ પછી 83મી મિનિટે જાપાન માટે તકુમા અસાનોએ વિનિંગ ગોલ ફટકારીને જર્મન ટીમને અંચબિત કરી દીધી હતી.
ગ્રુપ ઇ આ વખતે વર્લ્ડ કપમાં ગ્રુપ ઓફ ડેથ ગણાય છે. જેના પહેલા મેચમાં મેજર અપસેટ થયો છે. જર્મન માટે આ હાર ઘણી કઠિન બની રહેશે. ગ્રુપની અન્ય બે ટીમ સ્પેન અને કોસ્ટારિકા છે.

© 2022 Saurashtra Trust