કારણ વગર કોંગ્રેસ કોઈની ટિકિટ કાપતો નથી: શક્તિસિંહ

ખોડલધામ ને સિદસરમાં કોંગ્રેસની વિરાટ ધર્મ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું : યાત્રામાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય લલીત કગથરા, અમરીશ ડેર સહિતના નેતાઓ સાથે 300થી વધુ વાહનચાલકો જોડાયાં
રાજકોટ તા.28 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકોનો વિશ્વાસ જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પોતાની તાકાત લગાડવામાં આવી રહી છે.  નવલા નોરતામાં પણ રાજકીય પક્ષો દ્વારા અલગ-અલગ કાર્યક્રમોના આયોજનો થઈ રહ્યાં છે જેમાં આજરોજ કોંગ્રેસ દ્વારા ‘ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત રાજકોટથી વિરાટ રેલી યોજવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયાં હતાં.
રાજકોટના બહુમાળી ભવન ચોકથી આ રેલીનો પ્રારંભ થયો હતો જે ઈન્દિરા સર્કલ સહિતના વિસ્તારોમાં ફરીને કાગવડ ખોડલધામ ખાતે પહોંચી હતી. રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોર, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય-કાર્યકારી પ્રમુખ લલીત કગથરા, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, જાવેદ પીરજાદા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જૂનભાઈ ખાટરિયા સહીતના આગેવાનો જોડાયાં હતાં.
સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ વર્ગ જ્ઞાતિના લોકો ભાજપથી નારાજ છે.લોકોએ અનેક આશાઓ સાથે ભાજપને મત આપ્યાં છે, જિલ્લા પંચાયતથી લઈને કેન્દ્રમાં ભાજપને મત મળ્યાં છે પરંતુ લોકોની એ આશાઓ પર સત્તાધારી પક્ષ ઉણો ઉતર્યો છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવોમાં ધરખમ વધારો થયો છે. ભાજપનો રિપીટ થિયરીમાં માને છે, કોંગ્રેસ પક્ષ કોઈ ખાસ કારણ હોય તો જ કોઈની ટિકીટ કાપે છે તેમ કહીને તેમણે આડકતરી રીતે સિટીંગ ધારાસભ્યોની ટિકીટ નહીં કપાય તેવું જણાવ્યું હતું.
દરમિયાન રાજકોટના ઈન્દિરા સર્કલ ખાતે ઈન્દિરાજીની પ્રતિમાને કોંગી અગ્રણીઓ દ્વારા પુષ્પ અર્પણ કરવામાં હતાં. અહીં ઢોલ વડે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ઢોલીઓ ઉપર રૂ.500-500ની નોટોનો વરસાદ કર્યો હતો. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના ભરડામાંથી ગુજરાતને મુક્તિ મળે અને ગુજરાતીઓને શાંતિ-સમૃદ્ધિ મળે તેવા સંકલ્પ સાથે આયોજિત આ રેલી કાગવડ પહોંચતા ખોડલધામ મંદિરના પ્રમુખ નરેશભાઈ પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યાત્રા ગાંઠિલા અને ત્યાંથી ઉમિયાધામ-સીદસર ખાતે પહોંચી હતી. એકદંરે 200 કિ.મીથી વધુ લાબી યાત્રાનો પ્રવાસ ખેડનારી આ યાત્રા શહેરમાં બે જુદા-જુદા સ્થળોએથી રવાના થઈ હતી જેમાં 300થી વધુ વાહનો જોડાયાં હતાં.

© 2022 Saurashtra Trust