માળિયા મિંયાણાના કોબા વાંઢમાં માતા-પુત્રની હત્યા

-પશુઓ ચરાવવા બાબતેના ડખ્ખામાં  કૌટુંબિક ભત્રીજાએ કાકી સહિત બેની લોથ ઢાળી દીધી
માળિયા મિંયાણા, તા. 28: (ફૂલછાબ ન્યુઝ) મોરબી જિલ્લાના માળિયા મિંયાણા શહેરમા કોબા વાંઢ વિસ્તારમાં પશુઓ ચરાવવા બાબતે થયેલ બોલાચાલીમાં માતા અને પુત્રની હત્યા થઇ હતી.
માળિયા મિંયાણા શહેરના કોબા વાંઢ વિસ્તારમાં ઢોર ચરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કૌટુંબિક ભત્રીજો શાહરૂખ મોવર નામના યુવાને તેના જ કૌટુંબિક કાકી ઝરીનાબેન યુસુબભાઇ મોવર (ઉંમર 50) અને કાકાના દીકરા ભાઈ હબીબ યુસુબભાઇ મોવર (ઉંમર 20) ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાવાના કારણે  ઝરીનાબેન મોવર અને હબીબ મોવર બન્નેના મૃત્યુ નીપજ્યાં હતા અને બેવડી હત્યાના બનાવમાં માતા-પુત્રના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી યુવાન હબીબભાઇના મૃતદેહને પીએમ માટે પુન: માળિયા લઈ ગયા છે જોકે મહિલા ઝરીનાબેનનો મૃતદેહ હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે. ડબલ હત્યાના આ બનાવની માળિયા મિંયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ બેવડી હત્યાના બનાવમાં ફરિયાદ લેવા માટે અને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું  જાણવા મળે છે. હાલમાં આ બેવડી હત્યા પાછળ પશુઓને ચરાવવા અંગેનો ડખ્ખો જ કારણભૂત છે કે અન્ય કોઇ કારણ છે? કૌટુંબિક ભત્રીજાની અન્ય કોઇ સંડોવાયેલ છે કે કેમ? તેના સહિતની વિગતો મેળવવા પ્રયાસ ચાલી રહ્યા છે.
 

© 2022 Saurashtra Trust