રાજકોટમાં રમાનાર ઇરાની ટ્રોફીના મેચની ટીમ જાહેર રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમનો કોચ સિતાંશુ કોટક

રાજકોટમાં રમાનાર ઇરાની ટ્રોફીના મેચની ટીમ જાહેર રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમનો કોચ સિતાંશુ કોટક
રાજકોટ, તા.28: ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અદ્યતન સ્ટેડિયમ પર તા. 1 થી પ ઓકટોબર દરમિયાન રમાનાર ઇરાની ટ્રોફીના મુકાબલામાં રેસ્ટ ઓફ ઇન્ડિયાનું સુકાન હનુમા વિહારી સંભાળશે. રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમમાં રણજી ટ્રોફી અને દુલિપ ટ્રોફીના પદાર્પણ મેચમાં સદી કરનાર દિલ્હીના યુવા બેટધર યશ ધૂલને તક મળી છે. ટીમમાં ચાર ઓપનર સામેલ છે. જેમાં મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, અભિમન્યૂ ઇશ્વરન અને યશસ્વી જયસ્વાલ છે. જયસ્વાલ દુલિપ ટ્રોફીમાં બે બેવડી સદી ફટકારીને જોરદાર ફોર્મમાં છે. શેષ ભારતની ટીમમાં સરફરાજ ખાન, ઉમરાન મલિક, સહિતના પ્રતિભાશાળી ખેલાડીઓ છે. ખાસ વાત એ છે કે રેસ્ટ ઓફ ઈન્ડિયાના કોચ તરીકે સૌરાષ્ટ્રના પૂર્વ સુકાની અને હાલ એનસીએના કોચિંગ સ્ટાફના સદસ્ય સિંતાશુ કોટક છે. ઇરાની ટ્રોફીનો આ મેચ અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ માટે મહત્વનો બની રહેશે. આ મેચના પ્રદર્શનથી તેમની ટેસ્ટ ટીમમાં એન્ટ્રી થઇ શકે છે.
રણજી ટોંફી ચેમ્પિયન સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયાનો આ મેચ અગાઉ માર્ચ 2020માં રમાવાનો હતો. જે કોરોનાને લીધે સ્થગિત કરાયો હતો અને હવે રમાશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે રાજકોટમાં 39 વર્ષ બાદ પહેલીવાર ઇરાની ટ્રોફીનો મેચ રમાશે.
બીજી તરફ ઇરાની ટ્રોફીની સૌરાષ્ટ્રની ટીમમાં ટેસ્ટ સ્ટાર ચેતેશ્વર પુજારા સામેલ છે. જે તાજેતરમાં ઇંગ્લેન્ડમાં જોરદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રની ટીમનું સુકાન જયદેવ ઉનડકટ સંભાળશે. ટીમમાં અનુભવી અર્પિત વસાવડા, શેલ્ડન જેકશન, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કમલેશ મકવાણા સહિતના ખેલાડીઓ છે. કોચ કરશન ઘાવરી અને અને આસી. કોચ નિરજ ઓડેદરા છે.
રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમ: અભિમન્યૂ ઇશ્વરન, પ્રિયાંક પંચાલ, મયંક અગ્રવાલ, હનુમા વિહારી (કેપ્ટન), સરફરાઝ ખાન, યશસ્વી જયસ્વાલ, યશ ધૂલ, કેએસ ભરત, ઉપેન્દ્ર યાદવ (વિકેટકીપર), કુલદિપ સેન, ઉમરાન મલિક, મુકેશ કુમાર, અરઝાન નાગસવાલા,  જયંત યાદવ અને સૌરભ કુમાર.
સૌરાષ્ટ્રની ટીમ: જયદેવ ઉનડકટ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, શેલ્ડન જેકશન, પ્રેરક માંકડ, અર્પિત વસાવડા, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચેતન સાકરિયા, પાર્થ ભૂત, સ્નેલ પટેલ (વિકેટકીપર), હાર્વિક દેસાઇ, વિશ્વરાજ જાડેજા, કમલેશ મકવાણા, કૃશાંગ પટેલ અને કિશન પરમાર.

© 2022 Saurashtra Trust