વિશ્વ કપની ઓસિ. ટીમમાંથી કપ્તાન ફિંચની બાદબાકી થશે ?

વિશ્વ કપની ઓસિ. ટીમમાંથી કપ્તાન ફિંચની બાદબાકી થશે ?
વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણીમાં વોર્નર સહિતના ટોચના ખેલાડીઓની વાપસી
મેલબોર્ન, તા.28: વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની બે મેચની ટી-20 સિરીઝની ઓસ્ટ્રેલિયાની ટીમમાં ધરખમ બેટધર ડેવિડ વોર્નર સહિતના ટોચના ત્રણ ખેલાડીની વાપસી થઈ છે. આ તમામ ખેલાડીઓને ભારત પ્રવાસમાં વિશ્રામ મળ્યો હતો. વિન્ડિઝ સામેની શ્રેણીમાં ભારત સામે જબરદસ્ત દેખાવ કરનાર ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન સામેલ છે. ઓસિ. ટીમમાં વોર્નરની સાથોસાથ મિશેલ સ્ટાર્ક, મિશેલ માર્શ, માર્કસ સ્ટોઇનિસ 16 ખેલાડીની ટીમમાં સામેલ છે. આ પહેલા વેસ્ટ ઇન્ડિઝ સામે બે મેચની ટક્કર થશે. આ પછી ઇંગ્લેન્ડ સામે તા. 9 ઓક્ટોબરથી ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે.
બીજી તરફ એવા રિપોર્ટ સામે આવ્યા છે કે ઓસ્ટ્રેલિયા વિશ્વ કપમાં ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને નજરઅંદાજ કરવા ઇચ્છતું નથી. વિશ્વ કપની ટીમમાં ગ્રીન સામેલ નથી. આઇસીસીના નિયમ અનુસાર તા. 9 ઓક્ટોબર સુધીમાં ખેલાડીની અદલા-બદલી થઈ શકે છે. નિયમિત કપ્તાન એરોન ફિંચ આઉટ ઓફ ફોર્મ હોવાથી ઓસિ. પસંદગીકારો તેનો ભોગ લેવાની તૈયારી કરી રહ્યા છે. ફિંચનાં સ્થાને વિશ્વ કપની ટીમમાં ગ્રીનને તક મળી શકે છે તેવું જાણવા મળે છે જ્યારે વિકેટકીપર મેથ્યુ વેડ નવો કેપ્ટન બની શકે છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ: એરોન ફિંચ (કેપ્ટન), સીન એબોટ, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવૂડ, જોશ ઇંગ્લીશ, મિશેલ માર્શ, ગ્લેન મેકસવેલ, ડેનિયલ સેમ્સ, સ્ટીવન સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.

© 2022 Saurashtra Trust