આફ્રિકા સામે ભારતનો 8 વિકેટે જોરદાર વિજય

આફ્રિકા સામે ભારતનો 8 વિકેટે જોરદાર વિજય
અર્શદિપ-ચહરની કાતિલ બોલિંગ બાદ રાહુલ-સૂર્યાની આક્રમક અર્ધસદી: ભારત 1-0થી આગળ
દ. આફ્રિકા
20 ઓવર 8/106
ટીમ ઇન્ડિયા
16.4 ઓવર 2/110
થિરૂવનંથપૂરમ તા.28: પહેલા અર્શદિપ સિંઘ-દીપક ચહરની કાતિલ બોલિંગ અને બાદમાં કેએલ રાહુલ-સૂર્યકુમાર યાદવની શાનદાર અર્ધસદીની મદદથી ભારતે પ્રવાસી ટીમ દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધના પ્રથમ ટી-20 મેચમાં 20 દડા બાકી રાખીને 8 વિકેટે ચમકદાર વિજય હાંસલ કર્યોં હતો. આ જીતથી ટીમ ઇન્ડિયા ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ છે. દ. આફ્રિકાનો 8 વિકેટે 106 રનનો સામાન્ય સ્કોર ભારતે 16.4 ઓવરમાં અંાબી લીધો હતો. ભારતે 16.4 ઓવરમાં બે વિકેટે 110 રન કરીને સરળ વિજય હાંસલ કર્યોં હતો. 9 રનમાં પ વિકેટ ગુમાવનાર દ. આફ્રિકાએ 20 ઓવરના અંતે 8 વિકેટે 106 રનનો સ્કોર કર્યોં હતો. અર્શદિપે ઇનિંગની બીજી ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી.
કેએલ રાહુલે ફોર્મમાં વાપસી કરીને પ6 દડામાં 2 ચોકકા-4 છકકાથી શાનદાર-અણનમ પ1 અને ઇનફોર્મ બેટસમેન સૂર્યકુમાર યાદવે માત્ર 33 દડામાં પ ચોકકા-2 છકકાથી આક્રમક-અણનમ પ3 રનની ઇનિંગ રમી હતી. આ બન્ને વચ્ચે ત્રીજી વિકેટની અતૂટ ભાગીદારીમાં 63 દડામાં 93 રનનો ઉમેરો થયો હતો. કપ્તાન રોહિત શર્મા (0) અને સ્ટાર વિરાટ કોહલી (3) સસ્તામાં આઉટ થયા હતા. દ. આફ્રિકા તરફથી રબાડા અને નોર્ત્ઝેને 1-1 વિકેટ મળી હતી.
અગાઉ અર્શદીપની અને દીપક ચહરની અદ્ભુત સ્વિંગ બોલિંગ સામે દ. આફ્રિકાના ટોચના બેટધરો નતમસ્તક થઈ ગયા હતા. આફ્રિકાની સ્થિતિ એટલી હદે કંગાળ હતી કે તેણે માત્ર 9 રનમાં જ પ વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં સાતમા ક્રમના ખેલાડી વર્નેલ પર્નેલના 24 અને આઠમા ક્રમના ખેલાડી કેશવ મહારાજની 41 રનની ઇનિંગથી આફ્રિકા 20 ઓવરના અંતે 8 વિકેટે 106 રને પહોંચ્યું હતું. ભારત તરફથી અર્શદીપે 32 રનમાં 3 વિકેટ લીધી હતી. તેને આ ત્રણેય વિકેટ ઇનિંગની બીજી અને તેની પહેલી ઓવરમાં મળી હતી. દીપક ચહર અને હર્ષલ પટેલનાં નામે 2-2 વિકેટ રહી હતી.
આફ્રિકાની ઇનિંગનો પ્રારંભ કંગાળ રહ્યો હતો. પહેલી ઓવરમાં કપ્તાન બાવુમા (0)ની વિકેટ ગુમાવી હતી. બીજી ઓવરમાં અર્શદીપ ત્રાટક્યો હતો. તેણે ડિ’કોક (1), રોસેવ (0) અને મીલર (0)ની વિકેટ ઝડપીને આફ્રિકાની ટીમને ધ્રુજાવી દીધી હતી. સ્ટબ્સ પણ ઝીરોમાં આઉટ થયો હતો જ્યારે એડન માર્કરમે 24 દડામાં 2પ રનનું યોગદાન આપ્યું હતું. બાદમાં પર્નેલે 37 દડામાં 24 અને મહારાજે 3પ દડામાં પ ચોક્કા-2 છક્કાથી 41 રન કરીને દ. આફ્રિકાને ત્રણ આંકડે પહોંચાડયું હતું. આફ્રિકા તરફથી માત્ર ત્રણ ખેલાડી જ ડબલ ફિગરમાં પહોંચ્યા હતા. ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી.

© 2022 Saurashtra Trust