પામતેલ સાવ સસ્તું થયું છતાં ફરસાણ ઉત્પાદકો દ્વારા લૂંટ

પામતેલ સાવ સસ્તું થયું છતાં ફરસાણ ઉત્પાદકો દ્વારા લૂંટ
-ફરસાણ કિલોએ લઘુતમ રૂ. 20-30 સસ્તું થઇ શકે: પામોલીન
ચાર મહિનામાં કિલોએ રૂ. 81 સસ્તું થયું છે
રાજકોટ, તા. 23: (ફૂલછાબ ન્યૂઝ) ફરસાણના ઉત્પાદનમાં 30 ટકા કરતા વધારે ભાગ ધરાવતા પામતેલના ભાવમાં 46 ટકાનું તોતિંગ ગાબડું પડી ગયું છે. આમ છતાં ફરસાણના ભાવમાં પાંચ-દસ ટકાનો પણ ઘટાડો કરાયો નથી, પરિણામે વપરાશકારોમાં કચવાટ છે. આશ્ચર્યની વાત એ છેકે આ વર્ષે બેસનના ભાવમાં પણ ભારે મંદી છે, હવે પામતેલ સસ્તું થયું છે એટલે દશેરાએ ગાંઠિયા સહિતનું ફરસાણ લોકોને કિલોએ રૂ. 20-30 જેટલું સસ્તું તો મળવું જ જોઇએ. આ દિશામાં હવે સરકારી તંત્ર હરકતમાં આવે એવી માગ ઉઠી છે.
ગાંઠિયા, સેવ, ચેવડો અને ચવાણા જેવા વધારે ખવાતા ફરસાણનો ભાવ એક કિલોએ રૂ. 220થી નીચે ભાગ્યે જ શહેરમાં વેચાય છે. બેસન એક કિલોએ રૂ. 70માં મળે છે અને પામતેલનો ભાવ એક કિલોએ રૂ. 96-97 છે. પામતેલ તો અતિશય સસ્તું થઇ ગયું છે. મે મહિનામાં એક કિલોએ રૂ.178 હતા તેમાં રૂ. 81 તૂટી ગયા છે. છતાં ફરસાણ ઉત્પાદકો ભાવ ઘટાડો કરવાનું નામ લેતા નથી. ફરસાણ ઉત્પાદકો વધેલી મજૂરીનું કારણ આગળ ધરે છે, એમાં શંકા નથી છતાં વાજબી ઘટાડો કરીને ગ્રાહકો સુધી લાભ પહોંચાડવાની હવે આવશ્યકતા છે.
ચણાનો ભાવ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા ય નીચો છે. ખેડૂતોને ચણાના પાકમાં ભારે નુક્સાની ગઇ છે.
જોકે બેસન એ કારણે સાવ સસ્તો છે. બીજી તરફ પામતેલમાં ય મલેશિયા અને ઇન્ડોનેશિયા ખાતે બેફામ મંદી થઇ હોવાથી ઘરેલું બજારમાં તેલ મફતના ભાવે મળે છે. અત્યારે પામતેલનો ભાવ બે વર્ષની તળિયાની સપાટીએ છે. દશેરા નજીક છે અને દિવાળી વીસેક દિવસમાં આવી રહી છે ત્યારે ફરસાણ લોકોને સસ્તું મળે એ માટે સરકારે જાગૃત થવાની જરૂર છે.
રાજકોટ શહેરમાં એક કિલો ગાંઠિયા રૂ. 220થી સસ્તાં બહુ જ ઓછી દુકાનોએ હશે પણ ઉંચો ભાવ મનફાવે તેમ લેવાય છે. હાઇ-વે પર એક કિલોએ રૂ. 500-550 સુધીના ભાવ પણ પડાવાય છે. છતાં સરકારી તંત્ર મૌન બનીને તમાશો જોતું હોય છે. એવું ય નથી કે મોંઘું ફરસાણ વેંચનારો વર્ગ સીંગતેલમાં તળે છે, કપાસિયામાં અનેક ઠેકાણે ફરસાણ બને છે. કપાસિયા તેલના ભાવ પણ હાલમાં ઘટીને રૂ. 148 પ્રતિ કિલો થઇ ગયા છે એટલે ફરસાણ લઘુત્તમ રૂ. 20-30 જેટલું તો સસ્તું થવું જ જોઇએ એવી લોકલાગણી છે.

© 2022 Saurashtra Trust