લેફ્ટ. જનરલ અનિલ ચૌહાણ નવા સીડીએસ

લેફ્ટ. જનરલ અનિલ ચૌહાણ નવા સીડીએસ
જનરલ રાવતનાં નિધન બાદથી ખાલી પડેલા સ્થાન ઉપર સરકારે કરેલી નિયુક્તિ
નવીદિલ્હી,તા.28: ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ(સેવાનિવૃત્ત)ને દેશનાં આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ) તરીકે નિયુક્ત કર્યા છે. ગત વર્ષમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતનાં નિધન બાદથી આશરે 10 માસથી આ પદ ખાલી પડયું હતું.  રક્ષા મંત્રાલય દ્વારા આજે જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે અનિલ ચૌહાણની સીડીએસ તરીકે નિયુક્તિ કરી છે. તેઓ ભારત સરકારમાં સૈન્ય બાબતોનાં વિભાગનાં સચિવ તરીકે પણ કાર્ય કરશે. રિટાયર્ડ લેફ્ટ. જનરલ અનિલ ચૌહાણને 1198માં સેનાની 11 ગોરખા રાઈફલ્સમાં કમિશન આપવામાં આવ્યું હતું. મેજર જનરલ રેન્કમાં ચૌધરીએ ઉત્તરી કમાનમાં મહત્ત્વપૂર્ણ બારામુલ્લા સેક્ટરમાં ઈન્ફન્ટ્રી ડિવીઝનની કમાન સંભાળી હતી. ત્યારબાદ તેમણે ઉત્તરપૂર્વમાં એક કોરની કમાન સંભાળી હતી અને સપ્ટેમ્બર 2019થી પૂર્વી કમાનનાં જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ અને મે 2021મા સેવામાંથી નિવૃત્ત થયા ત્યાં સુધી આ પદ ઉપર રહ્યાં હતાં.

© 2022 Saurashtra Trust