PFI ઉપર પ્રતિબંધ : કલાકોમાં સંગઠન વિખેરાયું

PFI ઉપર પ્રતિબંધ : કલાકોમાં સંગઠન વિખેરાયું
-આતંકવાદી ગતિવિધિમાં સંડોવાયેલા જૂથ ઉપર શ્રેણીબદ્ધ દરોડા પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું પગલું: ડિજિટલ સ્ટ્રાઇકમાં પીએફઆઇની તમામ વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બ્લોક


નવીદિલ્હી, તા.28: અંતિમવાદી જૂથ પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા(પીએફઆઇ) ઉપર એનઆઇએ, ઇડી અને પોલીસની દેશવ્યાપી તાબડતોબ કાર્યવાહી બાદ હવે સરકારે મોટું પગલું ઉઠાવ્યું છે. શ્રેણીબદ્ધ દરોડા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પીએફઆઇ અને તેનાં 8 સહયોગી સંગઠનો ઉપર ગેરકાનૂની ગતિવિધિ નિવારણ ધારો એટલે કે યુએપીએ હેઠળ પાંચ વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. આટલું જ નહીં, તેનાં ઉપર ડિજિટલ સ્ટ્રાઇક પણ કરવામાં આવી છે અને તેની તમામ વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ તાત્કાલિક અસરથી બ્લોક કરી નાખવા માટે ટેકડાઉન ઓર્ડર પણ કેન્દ્રે જારી કરી દીધો છે. સરકારના આ પગલા પછી અમુક કલાકોમાં જ પીએફઆઈના વિસર્જનની જાહેરાત પણ સંગઠને કરી નાખી હતી. પીએફઆઇની આતંકવાદી સાંઠગાંઠને પગલે કેરળથી લઈને કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને આસામની સરકાર સહિત અનેક રાજ્યો દ્વારા તેનાં ઉપર પ્રતિબંધની માગ કરવામાં આવી હતી. ઈડી અને એનઆઇએ દ્વારા દેશનાં સંખ્યાબંધ રાજ્યોનાં તેનાં ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ મળીને 300થી પણ વધુ લોકોને અત્યાર સુધીમાં પકડી પાડવામાં આવ્યા છે. હવે આ સંગઠન ઉપર પ્રતિબંધનાં પગલાં બાદ કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે પીએફઆઇ સામે આતંકવાદી સંડોવણીના પુરાવા મળવા ઉપરાંત એજન્સીઓના અહેવાલોના આધારે પગલું ભરવામાં આવ્યું છે.
પીએફઆઇની સાથોસાથ તેનાં સંલગ્ન સંગઠનો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં કેમ્પસ ફ્રંટ ઓફ ઇન્ડિયા, રિહેબ ઇન્ડિયા ફાઉન્ડેશન, ઓલ ઇન્ડિયા ઈમામ કાઉન્સિલ, નેશનલ કન્ફેડરેશન ઓફ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન, નેશનલ વીમેન ફ્રંટ, જુનિયર ફ્રંટ, એમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશન અને અન્ય ઘણાં સંગઠનો પણ શામેલ છે.
ગૃહ મંત્રાલય તરફથી જારી જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, પીએફઆઇ અનેક અપરાધિક અને આતંકી મામલાઓમાં સંડોવાયેલું રહ્યું છે અને બંધારણીય વ્યવસ્થાનો અનાદર પણ કરે છે. બાહ્ય સ્રોતોમાંથી ધન અને વૈચારિક સમર્થનનાં કારણે તે દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો બની ગયું હતું. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે, કોલેજના પ્રોફેસરોના હાથ કાપવા, અન્ય ધર્મના અનુયાયીઓ ઉપર હુમલા કરવા, સાર્વજનિક સંપત્તિને નુકસાન કરવાં સહિતની ગુનાઇત કામગીરીમાં તેનો હાથ હોવાની પુષ્ટિ મળી છે. સીરિયા, ઈરાક અને અફઘાનિસ્તાન જઈને આઇએસઆઇએસમાં તેનાં સદસ્યો જોડાયા હોવાનાં પુરાવા પણ મળે છે.
ગૃહ મંત્રાલયે જાહેરનામામાં જણાવ્યું છે કે, પીએફઆઇના સ્થાપક સદસ્યો પ્રતિબંધિત જૂથ સિમી સાથે પણ જોડાયેલા રહ્યા છે. જમાત-ઉલ-મુજાહિદ્દીન સાથે પણ તેને સંબંધ હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત તેની સામે કરવામાં આવેલી ડિજિટલ સ્ટ્રાઇકને પગલે પીએફઆઇના ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુ-ટયૂબનાં એકાઉન્ટ પણ બ્લોક કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

© 2022 Saurashtra Trust