મોદી આજથી ગુજરાતમાં : નેશનલ ગેમ્સનો પ્રારંભ

મોદી આજથી ગુજરાતમાં : નેશનલ ગેમ્સનો પ્રારંભ
-મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન સમારંભ
-અમદાવાદ, રાજકોટ અને ભાવનગર સહિત 6 શહેરમાં 12 ઓકટોબર સુધી-દેશના હજારો રમતવીરો કૌવત ઝળકાવશે
(ફૂલછાબ ન્યુઝ) અમદાવાદ, તા.28: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપન વર્ષ 2036માં અમદાવાદના આંગણે ઓલિમ્પિકનું આયોજન કરવાનું છે. જે અનુસંધાને આવતીકાલ ગુરૂવારથી ગુજરાતના આંગણે પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવ રમાશે. 36મા નેશનલ ગેમ્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે ઉદ્ઘાટન કરશે. મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ યોજાનાર ભવ્ય અને ઝાકઝમાળભર્યા ઉદ્ઘાટન સમારંભમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડશે. આ ઉપરાંત દેશના ટોચના રમતવીરો ઉદ્ઘાટન સમારંભમાં વિશેષ હાજરી આપશે.
 આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન વિશ્વ કક્ષાની “સ્વર્ણિમ  ગુજરાત સ્પોર્ટ્સ  યુનિવર્સિટી’’નું  ઉદ્ઘાટન પણ કરશે. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ દેશના રમત-ગમત શિક્ષણના લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે.
ગુજરાત રાજ્યમાં પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાઈ રહ્યો છે. તેનું આયોજન 29મી સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોબર, 2022 દરમિયાન કરવામાં આવશે. દેશભરમાંથી  મોટી  સંખ્યામાં ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ 36 રમતની વિવિધ સ્પર્ધામાં  ભાગ લેશે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એમ છ શહેરોમાં આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. 
            ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રમતોની છેલ્લી આવૃત્તિ 2015માં કેરળમાં આયોજિત કરવામાં આવી હતી. કોરોનાના રોગચાળા સહિતના વિવિધ કારણોસર, હવે 7 વર્ષના અંતરાલ પછી રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારે, આ રમતોના સંચાલનમાં અને 2022 એશિયન ગેમ્સને મુલતવી રાખવાના આ લાંબા અંતરને ધ્યાનમાં લેતા, 36મી નેશનલ ગેમ્સના યજમાન બનવા માટે આઈઓએનો સંપર્ક કર્યો હતો. એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લૉન ટેનિસ, ટેબલ ટેનિસ, જુડો, ખુશી, કબડ્ડી, ખો-ખો, મલ્લખંભા અને ઇન્ડોર અને આઉટડોર રમતો સહિતની 34 શાખાઓમાં દેશના 7000થી વધુ ટોચના ખેલાડીઓ તેમની શક્તિનું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. ઈન્ડિયન આર્મડ ફોર્સીસ, નવા કેન્દ્રશાસિત રાજ્યો લદ્દાખ, દાદરા નગર હવેલી અને દીવ દમણ પણ રાષ્ટ્રીય સ્પર્ધામાં પહેલીવાર ભાગ લેશે
ગુજરાતમાં ઓલિમ્પીકને આનુષાંગિક આવી રમતોના આયોજનથી વર્તમાન માળખાકીય સવલતો વધારવા સાથે તેનો શ્રેષ્ઠ ઉપયોગ પણ થશે. આ નેશનલ ગેઇમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે રિયલ ટાઇમ કોમ્યુનિકેશન, આવાસ-ભોજન, વાહન વ્યવહારની માહિતી, ખેલાડીઓની પ્રોફાઇલ અપડેટ અને પરિણામોના રિયલ ટાઇમ અપડેટ માટે ગેઇમ્સ મેનેજમેન્ટ સિસ્ટમ અન્વયે વેબસાઇટ અને એપ લોંચ કરવામાં આવેલા છે 
            આ વખતે સૌ પ્રથમવાર યોગાસનને નેશનલ ગેમ્સમાં સ્થાન મળ્યું છે, જેના લીધે હવે રમત સ્વરૂપે વિશ્વને ‘યોગાસન’નું આધુનિક સ્વરૂપ જોવા મળશે.
 

© 2022 Saurashtra Trust