કેન્દ્રીય કર્મીઓને દિવાળી ભેટ: ઉઅમાં 4% વધારો

કેન્દ્રીય કર્મીઓને દિવાળી ભેટ: ઉઅમાં 4% વધારો
નવી દિલ્હી, તા.ર8: કેન્દ્ર સરકારે દિવાળી પહેલા 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોને ખુશ કરતા મોટી ભેટ સમાન મોંઘવારી ભથ્થાં (ડીએ)માં 4 ટકાનો વધારો કર્યો છે. વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં પ્રજાલક્ષી કેટલાક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. ગરીબોને મફત રાશન, તો કેન્દ્રીય કર્મચારીઓને ડીએમાં વધારો તથા રેલયાત્રીઓની સુવિધા માટે રેલવે સ્ટેશનોની પુનર્વિકાસ યોજનાને મંજૂરી આપી હતી.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી જાહેર કરતાં કહયુ કે કેન્દ્રના કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કરાયો છે. અગાઉ માર્ચમાં ડીએ 3 ટકા વધારવામાં આવ્યું હતું. 4 ટકાના વધારા બાદ ડીએ 38 ટકા થયું છે. સરકારના નિર્ણયથી પ0 લાખ કર્મચારીઓ અને 6પ લાખ પેન્શનરોને ફાયદો થશે. આ સિવાય રેલવેના યાત્રીઓની સુવિધાને ધ્યાને લઈ અમદાવાદ, નવી દિલ્હી અને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ જેવા દેશના 3 મોટા રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટ માટે રૂ.10 હજાર કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે હાલ દેશમાં 199 રેલવે સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય ચાલી રહ્યંy છે. અમદાવાદ રેલવે સ્ટેશનનું નવું સ્વરૂપ મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે. મુંબઈ રેલવે સ્ટેશનના હેરિટેજ ભવનમાં કોઈ બદલાવ નહીં કરાય. તેની આસપાસની ઈમારતોનો વિકાસ કરાશે. નવી દિલ્હી રેલવે સ્ટેશન બસો, ઓટો અને મેટ્રો રેલ સેવાઓ સાથે ટ્રેન સેવાઓને એકિકૃત કરશે.
------------
80 કરોડ ગરીબોને મફત અનાજ મળતું રહેશે
પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 3 મહિના લંબાવાઈ
નવી દિલ્હી, તા.ર8 : દિવાળી પહેલા દેશના 80 કરોડ ગરીબો માટે મહત્ત્વના નિર્ણયમાં કેન્દ્ર સરકારે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 3 મહિના લંબાવી છે. એટલે સપ્ટેમ્બર બાદ પણ ગરીબોને પ કિલો અનાજ મફત મળતું રહેશે. નાણા મંત્રાલય અનુસાર આ યોજના લંબાવવાથી કેન્દ્રની તિજોરી પર આશરે 4પ હજાર કરોડનો બોજો આવશે.
કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં મફત અનાજની યોજના લંબાવવાને મંજૂરી આપવામાં આવી હતી.  હવે આ યોજનાનો લાભ ગરીબોને ડિસેમ્બર ર0રર સુધી મળતો રહેશે. સપ્ટેમ્બરમાં આ યોજના પૂર્ણ થવાની હતી. દેશભરમાં જરુરિયાતમંદ લોકોને ડિસેમ્બર સુધી મફત રાશન ઉપલબ્ધ થશે. કેન્દ્રની આ યોજનામાં છેલ્લી સ્થિતિએ 80 કરોડ લાભાર્થીઓ છે. આ યોજના હેઠળ આપવામાં આવતું અનાજ રાશન કાર્ડ હેઠળ આપવામાં આવતાં  અનાજથી અલગ છે અને રાશનની દુકાનેથી જ તેનું વિતરણ કરવામાં આવે છે. આ યોજનામાં ઘઉં, ચોખા અથવા ચણાં જેવું અનાજ આપવામાં આવે છે.
કોરોના મહામારીને પગલે દેશમાં લોકડાઉન વખતે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ ર0ર0માં શરુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાયક લાભાર્થીઓને વ્યક્તિ દીઠ પ કિલો રાશન મફત આપવામાં આવે છે. આ યોજનામાં બાદમાં એવા ગરીબોને પણ જોડવામાં આવ્યા જેમની પાસે રાશનકાર્ડ નથી.
-------------
મફત રાશન યોજના : ગુજરાતના 3 કરોડ 48 લાખ લોકોને લાભ
અમદાવાદ, તા.28: પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત રાશન યોજનાને વધુ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી છે. તેનાથી ગુજરાતના 3 કરોડ 48 લાખ લોકોને નિયમિત મળવાપાત્ર અનાજ ઉપરાંત વ્યક્તિ દીઠ 5 કિલો અનાજનો વિનામૂલ્યે લાભ મળશે. આ યોજના અંતર્ગત દેશમાં 122 લાખ મેટ્રિક ટન આજનું વિતરણ કરવામાં આવશે અને 80 કરોડ લોકોને ફાયદો થશે. તેના પર કુલ 44,762 કરોડ      રૂપિયાનો ખર્ચ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, છેવાડાના માનવીની સુખાકારી માટે વિવિધ યોજનાઓ અને નિર્ણયો કરવામાં આવ્યા છે. હવે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી, રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધુ ઉમેરો થશે.
આજ રોજ આ યોજનાનો સાતમો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 એમ વધુ ત્રણ માસ માટે ગુજરાત રાજ્યના “રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-2013’’ હેઠળ સમાવિષ્ટ 71 લાખ રેશનકાર્ડ ધારક કુટુંબની 3 કરોડ 48 લાખ જનસંખ્યાને નિયમિત મળવાપાત્ર અનાજ ઉપરાંત વ્યક્તિ દિઠ 5 કિલો અનાજ (ઘઉં અને ચોખા)નો વિનામૂલ્યે લાભ મળશે.

© 2022 Saurashtra Trust