બાળદીક્ષા બોગસ ગેઝેટ કેસમાં જૈન મુનિ સહિત છ જણાનો બિનતહોમત છૂટકારો

અમદાવાદ, તા.28 : બાળદીક્ષા મામલે બોગસ ગેઝેટ ઉભા કરવાના ચકચારભર્યા કેસમાં જૈન આચાર્ય કીર્તી યશસૂરીશ્વરજી સહિત તમામ છને અત્રેના મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સંદીપસંહ ડોડિયાએ બિનતહોમત છોડી મૂકવાનો  હુકમ કર્યો છે.
 કોર્ટે જણાવ્યું હતું કે, પ્રતિવાદીઓ સામે આ કેસમાં ચાર્જ ફ્રેમ માટેનો પુરાવો નહી હોવાથી સીઆરપીસીની કલમ-245 હેઠળ તમામને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. બીજી તરફ મેટ્રોપોલીટન કોર્ટના આ ચુકાદાથી નારાજ ફરિયાદી જસ્મીનભાઇ શાહ દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ કરવાની તત્પરતા દર્શાવવામાં હતી. 
મેટ્રોપોલીટન કોર્ટ દ્વારા બિનતહોમત છોડી મૂકાયેલા પ્રતિવાદીઓમાં  આચાર્ય કિર્તી યશસૂરીશ્વરજી, ડો. રમેશ એસ. વોરા, ભરત રીખવચંદ શાહ, શાંતિલાલ રવિચંદ ઝવેરી, હિંમાશુ રાજા અને ચેતન મહેતાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, વર્ષ 2013માં આ મામલે કોર્ટમાં ફરિયાદ થયા બાદ કોર્ટ ઇન્કવાયરીનો આદેશ કરાયો હતો. જેમાં જૈનાચાર્ય એક પણ વખત હાજર રહ્યાં ન હતા.વર્ષ 2009માં બાળ દીક્ષા મામલે બોગસ ગેજેટ બહાર પાડવામાં આવ્યું હતું. આ ગેઝેટ બોગસ હોવાનું ધ્યાન પર આવતાં ઉસ્માનપુરા ખાતે રહેતા જસ્મીન શાહે વર્ષ 2013માં મેટ્રોપોલીટન કોર્ટમાં ઉપરોકત તમામ લોકો સામે છેતરપિંડી અને જુવેનાઇલ જાસ્ટિસ એકટ હેઠળનો ગુનો નોંધી કાયદેસર કેસ ચલાવી સજા કરવાની માંગણી કરતી ફરિયાદ દાખલ કરાઇ હતી. આ ફરિયાદ બાદ કોર્ટે વર્ષ 2013માં કોર્ટ ઇન્કવાયરી કરવાનો આદેશ કર્યો હતો.  દરમ્યાન આ સમગ્ર કેસ ચાલી જતાં પ્રતિવાદીઓ વિરૃધ્ધ ચાર્જ ફ્રેમ માટેનો કોઇ પુરાવો નહી હોવાના ગ્રાઉન્ડ પર મેટ્રોપોલીટન કોર્ટે આજે આચાર્ય કિર્તી યશસૂરીશ્વરજી મ.સા. સહિત તમામ છ પ્રતિવાદીઓને બિનતહોમત છોડી મૂકવા હુકમ કર્યો હતો. 

© 2022 Saurashtra Trust