તળાજા નજીક ગમખ્વાર અકસ્માત: 3નાં મૃત્યુ

કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં મહુવાના નિપસથરા ગામના એક જ પરિવારના ત્રણના મૃત્યુ: એકને ઇજા
ભાવનગર/તળાજા, તા.28: ભાવનગર જિલ્લાના તળાજા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં મહુવાના નિપસથરા ગામના એક જ પરિવારના ત્રણ સભ્યના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા જ્યારે એકને ઇજા થઇ હતી.
 નવા બનેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઇ-વે પર શેત્રુંજી નદીના પુલથી મહુવા જતા રસ્તા પર બપોરના બે વાગ્યાના સુમારે ક્વિડ કાર અને ટ્રક સામ સામે ટકરાયા હતા. કારમા સવાર બે મહિલા અને બે પુરુષ મળી ચાર વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા. એક યુવકને ગંભીર હાલતે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતની મળતી વિગતો મુજબ મૂળ મહુવા તાલુકાના નિપ સથરા ગામના રહેવાસી અને હાલ પીપાવાવ પોર્ટ પર ઇલેક્ટ્રિક ઇજનેર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ ઉગાભાઈ જોળિયા ઉ.વ 45 પત્ની કૈલાસબેન તથા પરિવાર ના પૂરીબેન શિવાભાઈ જોળિયા તથા કમલેશ અજયભાઈ  જોળિયા ઉ.વ.25 ચારેય પોતાની  કારમા ભાવનગર થી પોતાના ગામ નિપસથરા જવા બપોરના સુમારે નીકળ્યા હતા. બપોરે બે કલાક ના અરસામાં તળાજા નજીક શેત્રુંજી નદીના પુલથી આગળ વધી રહ્યા હતા ત્યારે સામેંથી આવતા ટ્રક સામ સામે ટકરાયા હતાં. જેમાં કારના આગળનો ભાગનો કચરઘાણ વળી ગયો હતો. ચારેયને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં સ્થળ પર જ બન્ને મહિલાઓ એ છેલ્લા શ્વાસ ગણી લીધા હતા.
હોસ્પિટલ ખાતે વીજયભાઈ જોળિયાએ દમ તોડી દીધો હતો. કમલેશ જોળિયાને ગંભીર ઇજાઓ થતા આઇ.સી.યુ સાથેની એમ્બ્યુલન્સમાં ભાવનગર રીફર કરવામાં આવ્યો હતો. વધુ મળતી વિગત પ્રમાણે કાળનો કોળિયો બની ગયેલા વિજયભાઇના પત્ની  કૈલાસબહેનની ભાવનગર સારવાર ચાલતી હોય ત્યાં તેમને બતાવવા માટે ગયા હતા ત્યાંથી પરત તેના ગામે જતા હતા ત્યારે કાળરૂપી ટ્રક(કન્ટેનર) ભેટી ગયો હતો. આ અકસ્માતના પગલે  લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું.  રાજકીય આગેવાનો કનુભાઇ ચૌહાણ, ગૌત્તમભાઇ ચૌહાણ, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન વિક્રમભાઇ ડાભી, તાલુકા પંચાયતના સભ્ય ભરતભાઇ સરવૈયા સહિતનો લોકો પણ દોડી આવ્યા હતાં.

© 2022 Saurashtra Trust