ગોંડલના પાટીદળની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી હતી

ગેંડલ,   તા. 28: ગોંડલ તાલુકાના પાટીદળ ગામે બે વર્ષ પૂર્વે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી અને દુષ્કર્મ ગુજારવા અંગે પકડાયેલા મૂળ હડમડિયાના વતની અને હાલ પાટીદળ ગામે રહેતા ધર્મેશ ઉર્ફે કાનો કાળુભાઇ રાઠોડ સામેનો કેસ ચાલી જતા સેશન્સ જજ ડી.આર.ભટ્ટે તેને 20 વર્ષની સખત કેદની સજાનો  હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ગોંડલ પંથકની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી અને દુષ્કર્મ ગુજાર્યાની ભોગ બનનાર સગીરાની માતાએ મૂળ ગોંડલ તાલુકાના હડમડિયા ગામનો વતની અને હાલ પાટીદળ ગામે રહેતો ધર્મેશ ઉર્ફે કાનો કાળુભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધર્મેશ ઉર્ફે કાનો રાઠોડની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો.
  આ કેસની  અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એપીપી ઘનશ્યામભાઈ ડોબરિયા હાજર રહી કુલ અગિયાર સાક્ષીઓને તપાસવામાં આવેલા તેમજ લેખિત પુરાવા રજૂ કરેલા, ફરિયાદી, તપાસનીશ અને ભોગ બનનારનું નિવેદન તેમજ દલીલો ધ્યાને લઈ સેશન્સ જજ ડી.આર. ભટ્ટે ધર્મેશ ઉર્ફે કાનો રાઠોડને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.
 

© 2022 Saurashtra Trust