ખડગુંદા ગામે યુવાન પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ

સ્કોર્પીયોમાં આવેલા હુમલાખોર કાકા-ભત્રીજા સહિતની ત્રિપુટીની શોધખોળ
રાજકોટ, તા.ર3 : ચોટીલા તાબેના ખડગુંદા ગામે રહેતો દિલીપ છગનભાઈ સોલંકી નામનો યુવાન સાંજે ગામમાં આવેલી અલ્પેશ મકવાણાની પાનની દુકાને ફાકી ખાવા ઉભો હતો ત્યારે સ્કોર્પીયો કારમાં રાજુ શિવા પરાલીયા, તેનો ભત્રીજો અજય વિનુ પરાલીયા અને તેનો મિત્ર ડબુ આવ્યા હતા અને ઝઘડો કરી પાઈપથી હુમલો કર્યો હતો અને બાદમાં બંદૂકમાંથી દિલીપ સોલંકી પર ફાયરિંગ કરતા દિલીપને ગોળી કમરના ભાગે વાગી હતી અને ત્રણેય હુમલાખોરો નાસી છૂટયા હતા અને ઘવાયેલ દિલીપને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં દિલીપ પાનની દુકાને ઉભો હતો ત્યાર રાજુ શિવા પરાલીયા સહિતના ત્રણેય શખસો આવ્યા હતા અને રાજુએ ઝઘડો કરી તે કેમ મારાભાઈ વિનુને ગાળો આપી તેમ કહી હુમલો કર્યો હતો અને બાદમાં રાજુએ બંદૂકમાંથી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે દિલીપ સોલંકીની ફરિયાદ પરથી હુમલાખોર કાકા-ભત્રીજા સહિતની ત્રિપુટી સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી શોધખોળ શરૂ કરી હતી.
 

© 2022 Saurashtra Trust