રાજકોટમાં અકસ્માત સર્જનાર કારચાલક બીલખાનો ડીસમીસ પોલીસમેન નીકળ્યો

બાળક-કારચાલક હોસ્પિટલમાં : પાંચ વાહન-થાંભલામાં દોઢ લાખનું નુકસાન
રાજકોટ, તા.ર3 : રાજકોટના પંચનાથ મંદિર રોડ પર સ્ટાર ચેમબર પાસે ગુરુવારે સાંજે બેફામગતિએ ધસી આવેલી વૈભવી કારે પાંચ વાહનો અને એક બાળકને અડફેટે લીધા બાદ વીજથાંભલા સાથે અથડાઇ હતી. હરીહર ચોક દાતાર ચોકમાં ખાડામાં રહેતા બાળક નવાબ સમીર બલોચ નામનો બાળક ઘેરથી ચા લેવા નીકળ્યો હતો ત્યારે કાર અડફેટે ચડી ગયો હતો અને હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અકસ્માતના પગલે દોઢ લાખનું નુકસાન થવા પામ્યું હતું.
પોલીસે પરાબજારમાં ભીડભંજન વિસ્તારમાં રહેતા હરીઓમ ચંદુભાઈ ચંચલની ફરિયાદ પરથી અકસ્માતની હારમાળા સર્જનાર જૂનાગઢ બીલખાના યુવરાજ અશોક ગોવાળીયા નામના કારચાલક સામે ગુનો નોંધ્યો હતો. આ અકસ્માતમાં યુવરાજને પણ ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસની વધુ તપાસમાં કારચાલક યુવરાજ બીલખાનો ડીસમીસ પોલીસમેન હોવાનું ખુલ્યું હતું અને યુવરાજ અગાઉ હત્યા, મારામારી, દારૂ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ યુવરાજ ગોવાળીયાની ધરપકડ કરવામાં આવશે.

© 2022 Saurashtra Trust