યશસ્વીની બેવડી સદીથી દુલિપ ટ્રોફી ફાઇનલમાં સાઉથ સામે વેસ્ટ ઝોન મજબૂત

યશસ્વીની બેવડી સદીથી દુલિપ ટ્રોફી ફાઇનલમાં સાઉથ સામે વેસ્ટ ઝોન મજબૂત
કોઇમ્બતુર, તા.23: યુવા ડાબોડી બેટધર યશસ્વી જયસ્વાલની અણનમ બેવડી સદીની મદદથી દુલિપ ટ્રોફીના ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોન વિરૂધ્ધ સંગીન સ્થિતિ પ્રાપ્ત કરીને વિજયની રાહ તૈયાર કરી છે. આજે ફાઇનલના ત્રીજા દિવસે વેસ્ટ ઝોનની ટીમ 319 રને આગળ થઇ છે અને સાત વિકેટ અકબંધ છે. 20 વર્ષીય યશસ્વી જયસ્વાલે શાનદાર દેખાવ કરીને 244 દડામાં 23 ચોક્કા અને 3 છક્કાથી અણનમ 209 રન કર્યાં હતા. તેના સાથમાં સરફરાઝ ખાન 30 રને નોટઆઉટ રહ્યો હતો. બીજા દાવમાં વેસ્ટ ઝોનના ત્રણ વિકેટે 8પ ઓવરમાં 376 રન થયા હતા.
 બીજા દાવમાં વેસ્ટ ઝોનનો કપ્તાન અંજિકયા રહાણે (1પ) નિષ્ફળ રહ્યો હતો. પ્રિયાંક પંચાલે 40 અને શ્રેયસ અય્યરે 71 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા સાઉથ ઝોનનો પહેલો દાવ 327 રને સમાપ્ત થયો હતો. જેમાં બાબા અપરાજીતે સદી ફટકારીને 118 રન કર્યાં હતા. સુકાની હનુમા વિહારીએ 2પ, મનીષ પાંડેએ 48 અને પૂંછડિયા ખેલાડી કે. ગૌતમે 43 રન કર્યાં હતા. વેસ્ટ ઝોન તરફથી જયદેવ ઉનડકટે 4 વિકેટ લીધી હતી. વેસ્ટના પહેલા દાવમાં 270 રન થયા હતા. જેમાં વિકેટકીપર હેત પટેલના 98 અને ઉનડકટના 47 રન મુખ્ય હતા.
 

© 2022 Saurashtra Trust